ભરણ ગામે દીપડાનો વૃધ્ધા ઉપર હુમલો
- વૃધ્ધા દવાખાનામાં સારવાર હેઠળઃઅગાઉ શ્રમજીવીનો બાળક દીપડાનાં હુમલામાં મોતને ભેટયો હતો
અંક્લેશ્વર તા.30 જાન્યુઆરી 2020 ગુરૂવાર
અંક્લશ્વર તાલુકાનાં ભરણ ગામે ઝુંપડામાં સુતેલી 70 વર્ષીય વૃધ્ધા ઉપર દીપડાએ હુમલો કરતાં ઘાયલ વૃધ્ધાને માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
અંક્લેશ્વરનાં છેવાડાનાં ભરણ ગામે થોડા દિવસ અગાઉ શેરડીની કાપણી કરતા એક શ્રમજીવી પરિવાર નાં બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. અંક્લેશ્વર વન વિભાગે ત્રણ પાંજરા મુકયા હતા.
જો કે દીપડો છટકી ગયો હતો અને ફરી બુધવારની રાત્રે સ્ટેશન ફળીયામાં ઘરમાં સુતેલી 70 વર્ષીય કૂલીબેન ઉમેદભાઇ વસાવા પર હુમલો કર્યો હતો. કૂલીબેનનાં મોઢા પર ગંભીર ઇજા થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ અંક્લેશ્વર વન વિભાગ ને કરવામાં આવતા વન વિભાગની ટીમે ભરણ ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી.