અંક્લેશ્વરની અમરાવતી ખાડીમાં પ્રદૂષિત પાણીથી જળચર જીવોના મોત
અંક્લેશ્વર, તા. 14 જુલાઇ 2019, રવિવાર
અંક્લેશ્વરનાં ગામોમાંથી પસાર થતી અને સ્થાનિકો માટે જીવાદોરી સમાન અમરાવતી ખાડીનાં પાણીમાં કેમિકલ યુક્ત પાણી ભળતા જળચર જીવો મોતને ભેટયા હતા. જેથી સ્થાનિક લોકોએ પ્રદુષણ ઓકતા ઉદ્યોગ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
અંક્લેશ્વર તાલુકાનાં ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી (ખાડી) નાં પાણીમાં લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી ભળતા જળચર જીવો મોતને ભેટયા હતા. અને અંદાજીત ૧૦ થી ૧૨ કિલો જેવું વજન ધરાવતી માછલીઓ પણ મૃત્યુ પામી હતી.
સ્થાનિક લોકોનાં આક્ષેપ મુજબ વરસાદની મોસમમાં ઉદ્યોગો દ્વારા ખાડીનાં પાણીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા દર વર્ષે સેંકડો જળચર જીવો તેના કારણે મોતને ભેટે છે, ખાડીનાં પાણીનો ગ્રામજનો ઘર વપરાશ સહિતનાં કામોમાં ઉપયોગ કરે છે, તેમજ પશુ પણ આજ પાણી પીવે છે, વારંવાર ખાડીનાં પાણી પ્રદુષિત બનતા લોકોનાં સ્વાસ્થ્ય પર પણ જોખમ લટકી રહ્યું છે.
વારંવારની થતી આ ઘટનાઓની તપાસ કરી કાયમી આ સમસ્યાનું નિરાકરણ જીપીસીબી દ્વારા લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.