અંકલેશ્વરમાં પત્નીની આડા સંબંધની શંકા રાખી ઝઘડો કરી હત્યા કરતો પતિ
-8 વર્ષના દાંપત્ય જીવનનો કરૂણ અંતઃ પતિ ફરાર
અંકલેશ્વર તા.22 ડિસેમ્બર 2019 રવીવાર
અંકલેશ્વર પદ્માવતી નગરમાં એક દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ મોટું સ્વરૃપ ધારણ કર્યું હતુ. અને પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિ તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અંકલેશ્વર તાલુકાનાં સારંગપુર ગામની પદ્માવતી નગરનાં જી-૩, મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી દિલદારસિંહ ઉર્ફે મોનુસિંહ બચ્ચુસિંહ સિકરવાર ઉ.વ.35 ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમની 27 વર્ષીય પત્ની આશાદેવી અંકલેશ્વર ઝઘડીયા માર્ગ પર આવેલ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેનાં 8 વર્ષનાં દાંપત્ય જીવનમાંએક સંતાનનાં માતાપિતા પણ બન્યા હતા.
જો કે આશાદેવીના પતિ દિલદારસિંહ ના મનમાં પત્ની વિરૃધ્ધ આડાસંબંધના શંકાનું ઝેર ઉત્પન્ન થતા પતિપત્ની વચ્ચે તારીખ રવિવારની સવારે ઉગ્ર ઝગડો થયો હતો. અને ઉશ્કેરાયેલા દિલદારસિંહે પત્ની આશાદેવીના કપાળ પર કોઈક હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ ફાંસો આપી મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગેનીજાણ લોકોને થતાં ટોળા ભેગા થઈ ગયા હતા. અને જીઆઈડીસી પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે આશાદેવીનો મૃતદેવ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર હત્યારા પતિની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.