ભરૂચના ગાંધી બજાર પાસે સ્ટ્રીટલાઇટમાં કડાકા ભડાકા સાથે આગ
-આગના પગલે આસપાસના રહીશોમાં ગભરાટઃ વીજ વાયરો સળગી જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ
ભરૂચ તા.20 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના પોલ માં અચાનક કડાકા-ભડાકા સાથે આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં ગભરાટ નો માહોલ પ્રસરી ગયો હતો. આગના પગલે સમગ્ર પંથક માં અંધારપટ થઈ ગયું હતું. સતત લોકોની અવર જવરથી ધમધમતા ભરૃચના ગાંધી બજાર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના થાંભલામાં વીજ વાયરોમાં જીવંત વીજ વાયરો અડી જવાના કારણે સ્ટ્રીટ લાઇટમાં અચાનક કડાકા-ભડાકા સાથે વીજવાયરો સળગી ઉઠયા હતા.
આગના પગલે સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભયનો માહોલ ઊભો થતાં કેટલાક લોકો પોતાનો જીવ બચાવી નાસભાગ કરી રહ્યા હતા.સ્ટ્રીટલાઇટમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ભરૃચ જીઈબી કચેરીમાં કરાતા અધિકારીઓએ મોડે મોડે પણ આવી સ્ટ્રીટ લાઇટની મરામત શરૂ કરી હતી .સ્ટ્રીટ લાઈટના થાંભલામાં લાગેલી આગના કારણે થોડો સમય માટે વાહન વ્યવહાર પણ અસર થઈ હતી.
સ્ટ્રીટલાઇટમાં આગ લાગવાની ઘટના નર્મદા નદીના પૂરના પાણીના સમયે થઈ હોત તો અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી શકત તેવા આક્ષેપો પણ સ્થાનિકો કર્યા છે .છેલ્લા ઘણા સમયથી ગાધી બજાર ફુરજા ચાર રસ્તા નાળિયેરી બજાર જેવા અનેક વિસ્તારોમાં જીવંત વીજ વાયરો લટકતા હોવાના કારણે નજીકથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે .ભરૂચ વીજ કંપની વહેલી તકે જોખમી વીજ વાયરોની મરામત વહેલામાં વહેલી તકે કરે તેવી માંગ ઉઠી રહી છે.