હાંસોટનાં 8 ગામોને મહા વાવાઝોડાનાં કારણે એલર્ટ કરાયા
-પરિક્રમાવાસીઓની યાત્રા પણ અટવાયા , વમલેશ્વર ધર્મશાળામાં રોકાણ
અંક્લેશ્વર તા.5 નવેમ્બર 2019 મંગળવાર
ગુજરાત પર મહા વાવાઝોડાની આફતને પગલે ભરૂચ જિલ્લાનાં અને સમુદ્ર કિનારે વસેલા હાંસોટ તાલુકાનાં 8 જેટલા ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે , જ્યારે તોફાને પગલે પરિક્રમાવાસીઓની મુશ્કેલી પણ વધતા યાત્રા હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના સમુદ્ર કિનારે વસેલા હાંસોટ તાલુકાના ગામોને તંત્ર દ્વારા ગુજરાત પર મહા વાવાઝોડાની આફતના કારણે એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત પર હાલમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે .જેની સામે ઝઝૂમવા માટે વહીવટી તંત્રે પણ પુરી તૈયારીઓ કરી લીધી છે . હવામાન વિભાગ દ્વારા તા.6 અને 7 નવેમ્બર દરમિયાન મહા વાવાઝોડુ રાજ્યનાં સમુદ્રી કાંઠે ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે . જેના કારણે ભરૃચ જિલ્લાનાં હાંસોટ તાલુકાનાં દરિયા કિનારે વસેલા 8 ગામો પારડી , અંભેટા , કતપોર , વમલેશ્વર , સમલી , કંટીયાજાળ , બડોદરા , વાંસનોલી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે .ગામોનાં સરપંચ તેમજ તલાટીઓને પણ સ્થળ ન છોડવાની સૂચનાઓ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
હાંસોટ તાલુકાનાં વમલેશ્વર ગામે મહા વાવાઝોડાનાં પગલે હોડી ઘાટ બંધ કરવામાં આવતા 250 જેટલા પરિક્રમાવાસીઓએ યાત્રા આૃધૂરી રાખીને પરત ફરવુ પડયુ હતુ જ્યારે પગપાળા નર્મદા પરિક્રમા કરતા 40 જેટલા પરિક્રમાવાસીઓ એ વમલેશ્વર ધર્મશાળા એ રોકાણ કરવાની ફરજ પડી હતી.અને જ્યાં સુધી વાવાઝોડાની અસર પૂર્ણ નહિ થાય ત્યાં સુધી તેઓએ તેમની બીજા ચરણની યાત્રાની શરૃઆત નહિ કરી શકે.
હાંસોટ તાલુકાનાં વમલેશ્વર ગામે થી સામે પાર મીઠી તલાવડી જવા માટે હોડીનાં માધ્યમ થી પરિક્રમાવાસીઓ જાય છે. તેની શરૂઆત દશેરા નાં દિવસથી થાય છે.આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.