અંકલેશ્વરની રંગોલી સ્ક્રેપ માર્કેટમાં 6 ભંગારનાં ગોડાઉનમાં આગ
-ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો
અંક્લેશ્વર તા.11 માર્ચ 2020 બુધવાર
અંકલેશ્વરનાં અંસાર માર્કેટની બાજુમાં આવેલા રંગોલી સ્ક્રેપ માર્કેટમાં છ ભંગાર નાં ગોડાઉનોમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. 6 ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો .કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંકલેશ્વરની સ્ક્રેપ માર્કેટમાં આગની ઘટના નો સીલસીલો યથાવત રહ્યો છે, ત્યારે હોટલ પાછળ આવેલ રંગોલી સ્ક્રેપ માર્કેટમાં આવેલ 6 ભંગારનાં ગોડાઉનમાં સંગ્રહ કરેલા પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડનાં ડ્રમોનાં જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા ગોડાઉનનાં સંચાલકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરી હતી.ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો દોડી આવી બન્ને ગોડાઉનમાં પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડનાં ડ્રમોનાં જથ્થામાં આગ વધુ ફેલાતા અંકલેશ્વર નગર પાલિકા અને પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશનનાં ફાયર બ્રિગેડને મદદે બોલાવ્યા હતા. કુલ 6 ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગ માં પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડનાં ડ્રમોનો જથ્થો સળગીને ખાખ થઇ ગયો હતો.
અંકલેશ્વરમાં આગ લાગવાની ઘટનામાં પંકાયેલ સ્ક્રેપ માર્કેટ પ્રત્યે અંકલેશ્વર જીપીસીબી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી કરી નથી. અવાર નવાર આગ ની ઘટના નાં પગલે ભંગારનાં વેપારીઓ પણ તોબા પોકારી ઉઠયા છે,
આ રંગોલી સ્ક્રેપ માર્કેટમાં આગની બીજી ઘટના બની છે.મોટા ભાગની સ્ક્રેપ માર્કેટ નેશન હાઇવેને અડી આવેલી છે, જયારે રંગોલી અને અંસાર માર્કેટ પાછળ થી રેલવે લાઈન પસાર થાય છે.રેલવે તંત્ર અને સ્થાનિક તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું ચર્ચાય રહ્યું છે.અત્યાર સુધી આગ લાગવાની ઘટના ની સત્ય હકીકત બહાર આવી નથી ત્યારે સ્થાનિક તંત્ર વહેલી તકે આગની ઘટના અંગે કડક કાર્યવાહી કરે તેવી ભંગાર ના વેપારીઓની માંગણી છે.