વણઝારા સમાજના ગરબા મહોત્સવમાં યુવકની ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલા સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ગૌર વણઝારા રક્ષક દળ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યે પાર્કિંગમાં બાઈક પર બેઠેલા યુવકની ઉપરા-છાપરી ચાકુના ઘા ઝીંકી હત્યા કરી અજાણ્યો બાઈકસવાર નાસી છૂટતા કપુરાઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને રસોઈયા તરીકે કામ કરતા વિકાસ રમેશ વણઝારા(૨૮)એ ફરિયાદમાં કહ્યું કે મારો નાનો ભાઈ નિલેશ વણઝારા(૨૪) વરણામા ગામ પાસે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રે મારા ભાઈને કોઈએ ચાકુ માર્યું હોવાની જાણ થતા હું અને મારી માતા સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં ગરબા આયોજક ગુલાબ વણઝારાએ જણાવ્યું હતું કે રાત્રે ૧૨ઃ૧૫ વાગ્યે નિલેશ પોતાની બાઈક પર બેઠો હતો. તે વખતે એક શખ્સ બાઈક લઈને અચાનક ધસી આવી નિલેશને ચાકુના ઘા મારી નાસી છૂટયો છે.

ગંભીર રીતે ઘવાયેલા નિલેશને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે નિલેશને મૃત જાહેર કર્યો હતો. નિલેશને પેટ, હાથ અને અને પગના ભાગે ઈજાના નિશાન છે. સયાજી હોસ્પિટલ ખાતે મૃતકની માતા અનિતાબેને ' નિલેશ તું આવી જા, તારા વિના તારી મમ્મી સૂની છે' તેવી પોક મૂકીને હદયદ્રાવક વિલાપ કર્યો હતો.
અનિતાબેને કહ્યું કે સમાજે મારાં પરિવાર પર લાખો રૃપિયાનો દંડ કર્યો છે, મારો એક પુત્ર સામા પક્ષના પુત્રની હત્યાના ગુનામાં જેલમાં છે. વશરામ ઉર્ફે બોડા વણઝારા, દિનેશ , વિક્રમ , વિશાલ અને સુનિલે મને ધમકી આપી હતી કે, ખૂનના બદલે ખુન, પૈસાના બદલે પૈસા અને છોકરાના બદલે છોકરો, જેથી આ ધમકી આપનારે જ મારા પુત્રની હત્યા કરી હોઈ પોલીસ એમણે ફાંસીની સજા આપે એવી માગ કરી છે.
પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોતરાઈ
ડીસીપી ઝોન -૩ અભિષેક ગુપ્તાએ કહ્યું કે ગરબા સ્થળ પાસે સ્ટેબિંગ દ્વારા યુવકની હત્યા કરાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈબ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોતરાઈ છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારનાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ રહી છે. અલગ- અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સંબંધિત વ્યક્તિઓનાં નિવેદન નોંધવા સાથે જરૃરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
મૃતકનો મોટો ભાઈ હત્યાના ગુનામાં જેલમાં છે
અત્રે નોંધનીય છે કે જુન,૨૦૨૬માં કિશનવાડી વુડાના મકાનમાં સુમિત વણઝારાની, ધર્મેશ વણઝારા,અજય વણઝારા (મૃતકનો ભાઈ) અને અન્ય લોકોએ ચાકુના ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ છે. આ ગુનામાં અજય હાલ જેલમાં હોઈ સુમિતના ખૂનની અદાવત રાખી સુમિતના સંબંધીઓએ નિલેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા ફરિયાદી (મૃતકનો ભાઈ)એ વ્યક્ત કરી છે, જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ખૂન કા બદલા ખૂનની ઈચ્છાનું પરિણામ

ગત્ ૧૩ જુલાઈએ કિશનવાડીમાં ૧ લાખની ઉઘરાણીના મુદ્દે ૯ આરોપીઓએ ભેગા મળીને પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો, જેમાં ૧૭ વર્ષના સુમિત વણઝારાનું મોત નિપજતા બાપોદ પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પુત્રનું મોત નિપજતા પિતા વિક્રમ વણઝારાએ ખૂન કા બદલા ખૂન હોગા, હું ક્યારેય પણ હત્યારાઓને મારીશ તો પોલીસે મારી સામે કાર્યવાહી કરવી નહીં એમ જણાવ્યું હતું.




