પ્રતાપપુરા સરોવરમાંથી આજવામાં પાણી ઠાલવવાનું શરૂ, જળસ્તર વધારવાની કવાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે આજવા સરોવરનું જળસ્તર સામાન્ય વર્ષોની સરખામણીએ નીચું રહેતાં હવે સરોવરમાં પાણીની આવક વધારવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આજવા સરોવરની સપાટી 207 ફૂટે પહોંચતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારથી પ્રતાપપુરા સરોવરમાંથી આજવા સરોવરમાં પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
શનિવારે સવારે નોંધાયેલા આંકડા પ્રમાણે આજવા સરોવરની સપાટી 207.23 ફૂટ જ્યારે પ્રતાપપુરા સરોવરની સપાટી 225.48 ફૂટ નોંધાઈ હતી. પ્રતાપપુરા સરોવરમાંથી પાણી લેવાનું શરૂ થતાં આજવા સરોવરના જળસ્તરમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે.
બીજી તરફ, આજવા સરોવરમાં પાણીની સપાટી જાળવી રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવાની મંજૂરી પણ મેળવવામાં આવી હતી. આ મંજૂરી અંતર્ગત હજુ 11 દિવસ સુધી નર્મદાનું પાણી મેળવી શકાશે. આમ, જરૂરિયાત ઊભી થાય તો નર્મદાના પાણીનો વિકલ્પ પણ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે આજવા સરોવર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પાણી પુરવઠાનો મુખ્ય આધાર છે. સરોવરની સપાટી નીચી જતાં પાણીના પુરવઠા દરમિયાન દબાણ જાળવવાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. હવે પ્રતાપપુરા સરોવરમાંથી પાણીની આવક શરૂ કરવામાં આવતાં આજવાનું જળસ્તર વધારવાની સાથે પૂર્વ વિસ્તારના પાણી પુરવઠામાં પૂરતું દબાણ જળવાઈ રહે તે દિશામાં કોર્પોરેશનની કવાયત શરૂ થઈ છે.




