વડોદરા: બરાનપુરાના કોમ્પલેક્ષમાં રહીશોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર ફીટ કરાતા હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ માં રહેતા રહીશોની પરવાનગી વગર કે તેમને જાણ કર્યા વગર મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમે જુના મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાવી દેતા રહેવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.
ગણાધીશ કોમ્પ્લેક્સ નામના બિલ્ડિંગમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે બપોરના સમયે વીજ કંપનીની ટીમ આવી હતી અને જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવવા માંડ્યા હતા. આ બાબતે અમને અગાઉથી કોઈ જાણ પણ નહોતી કરાઈ અને મીટર લગાવતા પહેલા અમારી મંજૂરી પણ લેવાઈ નહોતી. જો કોઈની પણ મિલકતમાં પ્રવેશતા પહેલા પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે તો વીજ કંપની કેવી રીતે કોમ્પ્લેક્સમાં કર્મચારીઓને બારોબાર મોકલી શકે ?
બીજી તરફ વીજ કંપનીના કર્મચારીએ કહ્યું હતું કે જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે અને આના માટે કોઈની પણ પરવાનગી અમારે લેવાની જરૂર નથી . સરકારે આ બાબતે પરિપત્ર પણ કરેલો છે.
સ્માર્ટ મીટર બીજા વિસ્તારમાં પણ આ જ રીતે લગાવાઇ રહ્યા છે અમે જુના મીટર કાઢીને રોજના 70 જેટલા સ્માર્ટ મીટર ફીટ કરી રહ્યા છે.
દરમિયાન સ્થળ પર આવેલી પોલીસે સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળી હતી. જોકે ત્યાં સુધીમાં મોટાભાગના મીટર બદલી કઢાયા હતા.




