Baroda

વડોદરા: ફટાકડાના સ્ટોલને દંડ ફટકારતા કોર્પોરેશનને પોતાના ફાયર વિભાગની બેદરકારી દેખાતી નથી

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં દિવાળી દરમિયાન ગેરકાયદે ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી વચ્ચે મહાનગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી સામે આવી છે. કીર્તિ સ્તંભ મેદાન ખાતેના ફટાકડા બજારમાં તહેનાત ફાયર વ્હીકલની ફિટનેસ અને વીમો ઓક્ટોબર મહિનામાં જ પૂર્ણ થઈ ગયો છે. આમ, કાયદેસરના દસ્તાવેજો વિના વાહન તહેનાત કરાતા, જો દુર્ઘટના બને તો જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ફટાકડાના સ્ટોલને દંડ ફટકારતા કોર્પોરેશનને પોતાના ફાયર વિભાગની બેદરકારી દેખાતી નથી

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર ગેરકાયદે રીતે ફટાકડાના સ્ટોલ ઊભા કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કીર્તિ સ્તંભ મેદાન ખાતે ફટાકડાના બજારમાં આગ જેવી દુર્ઘટના બને તો તાત્કાલિક બચાવ કામગીરી માટે ફાયર વ્હીકલ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે, પરંતુ આ વાહનની ફિટનેસ અને ઇન્સ્યોરન્સની સમયમર્યાદા ઓક્ટોબર મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. આમ, જે વાહન કટોકટીના સમયે આગ બુઝાવવા અને જાનમાલ બચાવવા માટે તહેનાત હોવું જોઈએ તે જ વાહન જરૂરી કાયદેસરના દસ્તાવેજો વિના મેદાનમાં ઊભું રાખવામાં આવ્યું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

નોંધનીય છે કે વર્ષો પહેલાં કીર્તિ સ્તંભ મેદાન ખાતે ફટાકડાના બજારમાં ભીષણ આગની ઘટના બની ચૂકી છે. આવી ભૂતકાળની દુર્ઘટના છતાં ફટાકડાના બજારમાં તહેનાત કરાયેલા ફાયર વાહનની ફિટનેસ અને વીમા જેવી પાયાની બાબતોનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય તો તે ગંભીર બાબત છે. એક તરફ સામાન્ય વેપારીઓને નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે, તો બીજી તરફ પોતાના જ વિભાગમાં નિયમોના પાલનની જવાબદારી કોની છે તે સવાલ ઊભો થયો છે.

હવે સવાલ એ છે કે ફાયર વ્હીકલની ફિટનેસ અને ઇન્સ્યોરન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં તેને સ્ટેન્ડ બાય રાખવાની મંજૂરી કોણે આપી? વાહન તપાસ્યા વિના તહેનાત કરાયું હોય તો જવાબદારી કોની? અને આ મામલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના ઉચ્ચ અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર શું શિક્ષાત્મક પગલાં લેશે?