.વડોદરાના પી.એસ.આઇ. અને બે મિત્રોના અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભરૃચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં વડોદરાના પીએસઆઇ સહિત ત્રણના કરૃણ મોત થયા છે. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૃચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. મૃતકોમાં વડોદરા પીસીબીના પી.એસ.આઇ. યશ પટેલ (ઉં.વ.૨૭) નો પણ સમાવેશ થાય છે. વડોદરાથી ભરૃચ તરફ આવી રહેલી કારને અકસ્માત થતા કાર પલટી ખાઈ ગઈ હતી અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ દુર્ઘટનામાં પી.એસ.આઇ. યશ પટેલ ઉપરાંત મહેસાણાના ૨૭ વર્ષીય પાર્થ પટેલ અને ૨૮ વર્ષીય અસફાક મોનીનનાં પણ ઘટનાસ્થળે જ મોત થયા હતાં. કારમાં સવાર અન્ય એક મિત્ર મંથન સુરેશભાઇ સોની (રહે. નરોડા,અમદાવાદ) ને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પી.એસ.આઇ. અને તેના મિત્રો ભરૃચમાં એક મિત્રને મળવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૃ કરી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગળ ચાલતા ટેમ્પામાં કાર પાછળથી ભટકાઇ હતી અને ત્યારબાદ કારને પાછળથી અન્ય વાહનોની પણ ટક્કર વાગતા કાર પલટી મારી ગઈ હતી.
પી.એસ.આઇ.પટેલનું પહેલું પોસ્ટિંગ જ વડોદરામાં હતું
પીસીબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. યશ પટેલની વર્ષ ૨૦૨૩ માં ભરતી થઇ હતી. તેઓ છેલ્લા ૮ મહિનાથી પી.સી.બી.માં હતા. અગાઉ તેઓ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. પી.એસ.આઇ. નું તેઓનું પહેલું પોસ્ટિંગ જ વડોદરામાં હતું. ગઇકાલે નવરાત્રિ બંદોબસ્ત પૂરો કરીને તેઓ ભરૃચ મિત્રને મળવા જઇ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો.




