વડોદરા: ફાયર વિભાગની પરીક્ષાની ઓએમઆર શીટ અને આન્સર કી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરમેન , સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસરની લેખિત પરીક્ષાની ઓએમઆર શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગત 18 ઓક્ટોબરે યોજાયેલી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો હવે પોતાની ઓએમઆર શીટ અને જવાબવહી કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે. ઉમેદવારોને કોઈ પ્રશ્નના જવાબ અંગે વાંધો કે સૂચન હોય તો 31 ઓક્ટોબર સુધીમાં રજૂ કરવાની તક આપવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, 22 ઓક્ટોબરના રોજ બપોરે 4 વાગ્યાથી 31 ઓક્ટોબરની રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારો ઓએમઆર શીટ અને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે. પ્રશ્નોના જવાબ અંગેના વાંધા કે સૂચનો કોર્પોરેશનની વેબસાઇટના ભરતી વિભાગમાં નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે. નિર્ધારિત સમય બાદ રજૂ કરવામાં આવેલા વાંધા તેમજ આધાર-પુરાવા વગરના વાંધા કે સૂચનો માન્ય ગણવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ ભરતી પ્રક્રિયાને લઈને અગાઉ ફાયર વિભાગના કર્મચારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. કર્મચારીઓના જણાવ્યા મુજબ, આંતરિક ભરતી અને સીધી ભરતી વચ્ચે 50:50નો ગુણોત્તર જળવાતો નથી. આ મુદ્દે કર્મચારીઓએ ભરતી પ્રક્રિયા અંગે સવાલો ઊભા કર્યા હતા.




