Baroda

વડોદરા: દસ્તાવેજ રજિસ્ટ્રેશનના કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી તા.2 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા સહિત રાજ્યભરમાં નોંધણી વિભાગના કર્મચારીઓ 13 પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન કર્મચારી મહામંડળે 12 ઓક્ટોબરથી તબક્કાવાર આંદોલન શરૂ કર્યું છે. 'ગરવી' પોર્ટલની ખામીઓ અને વિવાદાસ્પદ પરિપત્રો રદ કરવાની માંગ છે. જો 2 નવેમ્બર સુધી ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકીથી દસ્તાવેજ નોંધણી અને કરોડોની સરકારી આવક ખોરવાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દસ્તાવેજ રજિસ્ટ્રેશનના કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી તા.2 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ

Vadodara: વડોદરા સહિત રાજ્યભરમાં વકીલો અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ બાદ હવે નોંધણી (રજિસ્ટ્રેશન) વિભાગના કર્મચારીઓ પણ સરકાર સામે મેદાને પડ્યા છે. લાંબા સમયથી પડતર 13 માંગણીઓનો ઉકેલ નહીં આવતાં ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન કર્મચારી મહામંડળે આજે 12 ઓક્ટોબરથી તબક્કાવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. કર્મચારીઓના વિરોધને પગલે દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરવાવાની ભીતિ ઊભી થઈ છે. જો આંદોલન ઉગ્ર બનશે અને કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે તો દસ્તાવેજોની નોંધણી અટકી શકે છે, જેના કારણે સરકારની કરોડોની આવકને પણ ફટકો પડવાની શક્યતા છે.

કર્મચારી મંડળે 'ગરવી' પોર્ટલમાં રહેલી ટેકનિકલ ખામીઓ, મિલકતના માલિકી હક (ટાઈટલ) અંગેના વિવાદિત પરિપત્રો અને કર્મચારીઓને થતી વહીવટી કનડગત સહિતના મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. કર્મચારીઓની માગ છે કે મિલકતના ટાઈટલને લગતા અવ્યવહારુ પરિપત્રો રદ કરવામાં આવે અને દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઈન 'ગરવી' પોર્ટલની ખામીઓ દૂર કરીને તેને વધુ સરળ બનાવવામાં આવે. આ ઉપરાંત ઓડિટ ફકરાના આધારે કર્મચારીઓને આપવામાં આવતી કારણદર્શક નોટિસો અને ચાર્જશીટની પ્રક્રિયા બંધ કરવામાં આવે તથા આધારકાર્ડ સંદર્ભે બહાર પાડવામાં આવેલો પરિપત્ર રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

સબ રજિસ્ટ્રાર સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની પ્રક્રિયા સામે પણ કર્મચારીઓમાં ભારે અસંતોષ છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, વહીવટી પ્રક્રિયાઓ અને પોર્ટલની ટેકનિકલ ખામીઓને કારણે કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થાય છે, પરંતુ તેના માટે કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે. આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાની માગ સાથે મહામંડળે સરકાર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે.

આંદોલનના પ્રથમ તબક્કામાં આજે નોંધણી સર નિરીક્ષકને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ 15 ઓક્ટોબરે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. આંદોલનના ત્રીજા તબક્કામાં 22 ઓક્ટોબરે રાજ્યભરના કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરીને વિરોધ કરશે. તેમ છતાં સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે વાટાઘાટો કરીને સકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો 2 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. કર્મચારીઓની હડતાળથી રાજ્યભરમાં મિલકતના દસ્તાવેજોની નોંધણી સહિતની કામગીરી ઠપ થવાની અને સરકારી આવકને મોટું નુકસાન થવાની શક્યતા છે.