વડોદરા: સ્માર્ટ સિટી અને સ્કાડા પાછળ કરોડોનો ખર્ચ છતાં પાણીની સમસ્યા યથાવત્: રૂ. 1.96 કરોડના ટેન્કર ખરીદાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક શુદ્ધ પાણી પૂરું પાડવાની જાહેરાતો કરવામાં આવી હતી. પાણીના વિતરણ પર નજર રાખવા માટે સ્કાડા સહિતના પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ, શહેરમાં પાણીની નવી લાઈનો નાખવા અને જૂની લાઈનોના સમારકામ પાછળ પણ સતત ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણી, ઓછા દબાણે પાણી મળવું અને અપૂરતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાણીની લાઈનમાં ભંગાણ કે અન્ય ખામી સર્જાય ત્યારે નાગરિકોને ટેન્કર પર આધાર રાખવો પડે છે. ત્યારે હવે પાણી વિતરણ અને બગીચાઓમાં છોડને પાણી આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ. 1.96 કરોડના ખર્ચે વધુ 8 વોટર ટેન્કર ખરીદશે. આ ખરીદી માટે અંદાજિત રકમ કરતાં 3.32 ટકા વધુ ભાવ મળ્યો હોવા છતાં દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
દરખાસ્તમાં જણાવ્યા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિતરણ વિભાગ દ્વારા પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળવાની સમસ્યા, ઓછા દબાણે પાણી મળવું, લાઈનમાં ભંગાણ પડવું અને વાલ્વ બગડવા જેવી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. આવી કામગીરી માટે ખાનગી વાહનો તેમજ ફાયર બ્રિગેડનાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન પાણીના ટેન્કરની માંગ વધી જતી હોવાથી હાલનાં સાધનો પૂરતાં ન હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા વિવિધ સ્થળોએ મૂકવામાં આવેલા કુંડા, અર્બન ફોરેસ્ટ અને રસ્તાની બાજુમાં કરાયેલા વૃક્ષારોપણને પાણી પૂરું પાડવા માટે પણ ટેન્કરની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. આથી પાણી પુરવઠા વિભાગ માટે 6 અને પાર્કસ એન્ડ ગાર્ડન શાખા માટે 2 મળીને કુલ 8 ટેન્કર ખરીદવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. દરેક ટેન્કરની ક્ષમતા 9 હજાર લિટરની રહેશે.
ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ચાર ઇજારદારો પૈકી બે યોગ્ય ઠર્યા હતા. તેમાંથી અશોક લેલેન્ડનું સૌથી ઓછું ભાવપત્રક અંદાજિત રકમ કરતાં 3.32 ટકા વધુ હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે. એક ટેન્કરની કિંમત રૂ. 24.60 લાખ નક્કી થતાં આઠ ટેન્કર માટે કુલ રૂ. 1,96,80,000નો ખર્ચ થશે.
આ દરખાસ્તને આવતીકાલે શુક્રવારે મળનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.




