Baroda

વડોદરા: ચાર ઝોનમાં વરસાદી ગટર સફાઈ-દૂરસ્તીના વાર્ષિક ઈજારાઓમાં રૂ. 5.62 કરોડનો વધારો

By GS Team
5 Nov 20263 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં વરસાદી ગટર સફાઈના કામોમાં જૂના કોન્ટ્રાક્ટરોને જ વધુ સમય અને રૂ. 5.62 કરોડની નાણાકીય મર્યાદાનો લાભ આપવાની દરખાસ્તો રજૂ થતાં ચર્ચા જાગી છે. સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરાઈ છે, જેમાં "ખુશી એન્ટરપ્રાઇઝ" ને વારંવાર ફાયદો કરાવવા બદલ અધિકારીઓની મહેરબાનીની ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ચાર ઝોનમાં વરસાદી ગટર સફાઈ-દૂરસ્તીના વાર્ષિક ઈજારાઓમાં રૂ. 5.62 કરોડનો વધારો

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વરસાદી ગટર સફાઈ અને દૂરસ્તીકરણના કામોમાં નવા કોન્ટ્રાક્ટ આપવાના બદલે જૂના કોન્ટ્રાક્ટરોને જ વધુ સમય અને નાણાકીય મર્યાદાનો લાભ આપવાની દરખાસ્તો રજૂ થતાં ચર્ચા ઊભી થઈ છે. કાર્યપાલક ઇજનેરો દ્વારા કોન્ટ્રાક્ટની સમયમર્યાદા વધારવાની સાથે નાણાકીય મર્યાદામાં પણ વધારો કરવા જણાવાયું છે. જેના આધારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. વિવિધ ઝોનમાં અગાઉ ફાળવાયેલા વરસાદી ગટર સફાઈ અને દૂરસ્તીકરણના ઈજારાઓમાં અત્યાર સુધીમાં થયેલા વધારા ઉપરાંત હવે વધુ નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્તો રજૂ થઈ છે. આ દરખાસ્તો મંજૂર થાય તો છ કોન્ટ્રાક્ટરોને મળીને કુલ રૂ. 5.62 કરોડની નાણાકીય મર્યાદમાં વધારો થશે.

દક્ષિણ ઝોનમાં વરસાદી ગટર સાફ કરવા માટે ખુશી એન્ટરપ્રાઇઝને રૂ. 50 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો ફાળવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની સમયમર્યાદા માર્ચ, 2026માં પૂર્ણ થઈ ગઈ હોઈ હવે વધુ રૂ. 80 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

દક્ષિણ ઝોનમાં જ વરસાદી ગટર દૂરસ્તીકરણ માટે વર્ષ 2024માં ખુશી એન્ટરપ્રાઇઝને રૂ. એક કરોડની નાણાકીય મર્યાદામાં ઈજારો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રૂ. 50 લાખનો વધારો કરવામાં આવ્યો હતો. હવે વધુ રૂ. 80 લાખની નાણાકીય મર્યાદા વધારવા સાથે સમયમર્યાદા લંબાવવાની દરખાસ્ત રજૂ થઈ છે.

પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટર દૂરસ્તીકરણ માટે વિરલ ટ્રેડર્સને વર્ષ 2024-25માં રૂ. 75 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો ફાળવવામાં આવ્યો હતો. ઓક્ટોબર, 2025માં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ બે વખત રૂ. 50-50 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. હવે વધુ ત્રણ મહિના માટે સમયમર્યાદા લંબાવવા અને રૂ. 80 લાખનો વધારો કરવાની દરખાસ્ત રજૂ થઈ છે.

ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દૂરસ્તીકરણ માટે જયસ્વાલ ડેવલપર્સને વર્ષ 2025-26માં રૂ. 90 લાખની નાણાકીય મર્યાદામાં ઈજારો ફાળવાયો હતો. જુલાઈ, 2026માં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. હવે વધુ ત્રણ મહિના માટે સમયમર્યાદા લંબાવવા અને રૂ. 15 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ કરાઈ છે.

ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ માટે ભારતી કન્સ્ટ્રક્શનને વર્ષ 2024માં રૂ. 70 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારબાદ રૂ. 17.50 લાખનો વધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ, 2026માં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. હવે વધુ ત્રણ મહિના માટે સમયમર્યાદા લંબાવવા અને રૂ. 40 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ થઈ છે.


પૂર્વ ઝોનમાં વરસાદી ગટર દૂરસ્તીકરણ માટે ખુશી એન્ટરપ્રાઇઝને વર્ષ 2025-26માં રૂ. એક કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો અપાયો હતો. મે, 2026માં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રૂ. 50 લાખનો વધારો કરવામાં આવ્યો હતો. હવે વધુ ત્રણ મહિના માટે સમયમર્યાદા લંબાવવા અને રૂ. 50 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આમ, અગાઉના રૂ. 4.85 કરોડના મંજૂર નાણાકીય મર્યાદાના ઇજારામાં વધુ 5.62 કરોડનો વધારો થતા ઇજારા ની નાણાકીય મર્યાદા રૂ. 10.97 કરોડ સુધી પહોંચશે.

ખુશી એન્ટરપ્રાઇઝ પર અધિકારીઓની વધુ મહેરબાની?

વરસાદી ગટર સફાઈ અને દૂરસ્તીકરણ માટે ખુશી એન્ટરપ્રાઇઝને અલગ અલગ ઝોનમાં ત્રણ વાર્ષિક ઈજારા ફાળવવામાં આવ્યા છે. આ ત્રણેય ઈજારાની નાણાકીય મર્યાદામાં વારંવાર વધારો કરવામાં આવતાં ચર્ચા ઊઠી છે. દક્ષિણ ઝોનના એક ઈજારામાં વધુ રૂ. 80 લાખનો વધારો કરવાની દરખાસ્ત છે. જ્યારે દક્ષિણ ઝોનના અન્ય એક ઈજારામાં અગાઉ રૂ. 50 લાખનો વધારો કર્યા બાદ હવે વધુ રૂ. 80 લાખ વધારવાની દરખાસ્ત રજૂ થઈ છે. પૂર્વ ઝોનના ઈજારામાં પણ અગાઉ રૂ. 50 લાખનો વધારો કર્યા બાદ વધુ રૂ. 50 લાખ વધારવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. આમ, એક જ કોન્ટ્રાક્ટરને ત્રણ ઈજારામાં વારંવાર નાણાકીય મર્યાદા વધારવાનો લાભ આપવાની દરખાસ્તથી અધિકારીઓની મહેરબાનીની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વોર્ડ નંબર-4માં ડ્રેનેજના કામની ગુણવત્તા મુદ્દે વિવાદ થયો હતો. કાઉન્સિલરે ખુશી એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવેલા કામમાં હલકી ગુણવત્તાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ શમ્યો નથી ત્યાં ફરી આ જ કોન્ટ્રાક્ટરના ત્રણ ઈજારામાં નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ થતાં વિવાદ સર્જાયો છે.