વડોદરા: 25 નવેમ્બરથી બાજવા-છાયાપુરી વચ્ચે 25 હજાર વોલ્ટની વીજલાઈન થશે જીવંત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં બાજવાથી છાયાપુરી વચ્ચે મલ્ટી ટ્રેકિંગની કામગીરી અંતર્ગત 25 કેવી એસી ઇલેક્ટ્રિક ટ્રેક્શન શરૂ કરવાની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગ પર આગામી 25 નવેમ્બરથી 25 હજાર વોલ્ટ, 50 હર્ટ્ઝ એસી ઓવરહેડ વીજલાઈનને ઉર્જાયુક્ત કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તમામ લેવલ ક્રોસિંગ પર ઊંચાઈ ગેજ (હાઇટ ગેજ) લગાવવામાં આવ્યાં છે.
રેલવે દ્વારા રસ્તાના સ્તરથી 4.78 મીટરની મહત્તમ સ્પષ્ટ ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. જેથી આ મર્યાદા કરતાં વધુ ઊંચાઈ ધરાવતાં વાહનો લેવલ ક્રોસિંગ પરથી પસાર થઈ શકશે નહીં. રેલવે દ્વારા વાહનચાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, વાહનોમાં માલસામાન ભરતી વખતે ઊંચાઈના આ માપદંડનું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ સંજોગોમાં નક્કી કરેલી મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું.
રેલવેના જણાવ્યા અનુસાર, ઓવરહેડ ટ્રેક્શન વાયર રેલવે ટ્રેકના સ્તરથી ઓછામાં ઓછા 5.5 મીટરની ઊંચાઈ પર રહેશે. જો વધુ ઊંચાઈ ધરાવતાં વાહનો અથવા તેમાં ભરેલો માલસામાન જીવંત વીજવાયરના સંપર્કમાં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. એટલું જ નહીં, વીજપ્રવાહના સંપર્કથી આગ લાગવાનો ભય, વાહન અને માલસામાનને નુકસાન તેમજ વાહનચાલક અને અન્ય લોકોના જીવને જોખમ ઊભું થઈ શકે છે.
આથી રેલવે તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, 25 નવેમ્બરથી ઓવરહેડ વીજલાઈન ચાલુ થયા બાદ કોઈપણ અનધિકૃત વ્યક્તિએ વીજલાઈનની નજીક જવું નહીં કે તેની આસપાસ કોઈપણ પ્રકારની કામગીરી કરવી નહીં. વાહનચાલકોએ પણ લેવલ ક્રોસિંગ પરથી પસાર થતી વખતે ઊંચાઈ ગેજનું પાલન કરવું પડશે. વીજલાઈન જીવંત થયા બાદ બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.




