આજે કોટણા - ફાજલપુર ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત પૂર્વાંચલના પરિવારોના લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાની વડોદરામાં વિવિધ સ્થળોએ આવતીકાલે રવિવારે ઉજવણી કરાશે. બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા કોટણા બીચ (કોટણા ઘાટ) ખાતે ૧૫ અને ૧૬ નવેમ્બરે છઠ મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યારે હિન્દી વિકાસ મંચ દ્વારા મહીસાગર નદીના કાંઠે ફાજલપુર ખાતે છઠ મહાપૂજાનું આયોજન કરાયું છે.
કોટણા બીચ ખાતે યોજાનારા મહોત્સવ માટે સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી વિશાળ છઠ્ઠ ઘાટ તૈયાર કરાયો છે. અહીં હજારો શ્રદ્ધાળુઓ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરશે. આવતીકાલે ૧૫ નવેમ્બરે સાંજે અને ૧૬ નવેમ્બરે વહેલી સવારે અર્ધ્ય અર્પણ કરાશે. આ પ્રસંગે કાશીથી આવેલા વિદ્વાન પંડિતો દ્વારા મહાઆરતી કરાશે. જ્યારે અયોધ્યાના કલાકારો ભવાની નૃત્ય રજૂ કરશે. સાક્ષી કલ્ચરલ એસોસિયેશન દ્વારા બિહારની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
બીજી તરફ હિન્દી વિકાસ મંચ, વડોદરા દ્વારા ૧૫ નવેમ્બર રવિવારે બપોરે ૪ વાગ્યાથી ૧૬ નવેમ્બર સોમવારે સવારે ૭ વાગ્યા સુધી ફાજલપુર ખાતે છઠ મહાપૂજાનું આયોજન કરાયું છે. વડોદરામાં છેલ્લા ૨૮ વર્ષથી મહીસાગર નદીના કાંઠે આ મહાપર્વની ધામધૂમથી ઉજવણી થાય છે. છઠ્ઠવ્રતીઓ સાથે આવતા સ્વજનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે.
હજારો શ્રદ્ધાળુઓની સંભવિત હાજરીને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, આરોગ્ય સહાય કેન્દ્ર, અગ્નિશમન વ્યવસ્થા, પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત પોલીસ અને ટ્રાફિક વ્યવસ્થા, પ્રવેશ-નિકાસના અલગ માર્ગો તેમજ રાત્રિ રોકાણ કરતા શ્રદ્ધાળુઓ માટે પણ જરૃરી વ્યવસ્થાઓ કરાઈ છે.




