મોટાભાઇએ જ ગળું દબાવી હત્યા કરી નાનાભાઇની લાશ તળાવમાં ફેંકી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇ તાલુકાના સાઠોદ ગામે તળાવમાંથી હાથ અને પગ બાંધેલી હાલતમાં મળેલી યુવાનની લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. તેના મોટાભાઇએ જ ઘરકંકાસમાં ગળુ દબાવી હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી હોવાનો પર્દાફાશ થતાં પોલીસે મૃતકના મોટાભાઇની અટકાયત કરી છે.
સાઠોદ ગામના તળાવમાંથી ગઇકાલે હાથ અને પગમાં દોરી બાંધેલો મૃતદેહ તણાયેલો મળ્યો હતો. ડભોઇ પોલીસે તળાવમાંથી મૃતદેહ બહાર કઢાવી તેની ઓળખ કરતા મૃતકનું નામ ગુરુશરણ ઉર્ફે ભીમો તડવી(ઉ.વ.૩૫) તેમજ ગામમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકની લાશને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવતા તેનું ગળુ દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
આમ ગુરુશરણની હત્યા થઇ હોવાનું ફલિત થતા મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસની આઠ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા ઘરનો સભ્ય જ હત્યારો નીકળ્યો હતો. પોલીસે ઘરના સભ્યોમાં મૃતકના ભાઇ તેમજ ભાભીની પૂછપરછ કરતા હત્યાનો પર્દાફાશ થયો હતો.
મૃતકના મોટાભાઈ મહેશ તડવીની કડકાઈથી પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે ગુરુશરણના લગ્ન થયા ન હતા જેના કારણે અમારા જ ઘરમાં રહી ગુજરાન ચલાવતો હતો અને તે અનેક વખત જમવાના બાબતે ઘરમાં ઝઘડો કરતો હતો. તા.૨૧ના રોજ ઘરમાં ઝઘડો કરી તે બહાર નીકળ્યો હતો ત્યારે હું તેની પાછળ પાછળ ગયો હતો અને ઘર નજીક રાત્રે તેનું ગળું દબાવી હત્યા કરી હતી બાદમાં તેના હાથ અને પગ બાંધી લાશને ઘરથી ૧૦૦ મીટર દૂર આવેલા તળાવમાં ફેંકી દીધી હતી. ઉપરોક્ત કબૂલાતના આધારે પોલીસે મહેશ તડવીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




