વડોદરામાં ઠંડકની અસર વધુ વર્તાઈ : તાપમાનનો પારો ગગડી 13.4 ડિગ્રી થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Winter Season : વડોદરા શહેરમાં શિયાળાની ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડકની અસર વધુ વર્તાઈ રહી છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનો અનુભવ થતાં લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા થયા છે. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
નવેમ્બર મહિનાના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે ઘરેથી કામધંધા માટે નીકળતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને શ્રમજીવી વર્ગને ઠંડીનો વધુ સામનો કરવો પડી રહ્યો છે. સવારના સમયે રસ્તાઓ પર અવરજવર કરતા લોકો સ્વેટર, જેકેટ, શાલ અને મફલર સહિતનાં ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે પણ ઠંડક વધતાં લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે.
બીજી તરફ, ઠંડીની અસરને પગલે શહેરના બગીચાઓ અને ખુલ્લા મેદાનોમાં વહેલી સવારે ચાલવા જતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સવારના સમયે કસરત અને યોગ કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યા છે. ઠંડીના કારણે ગરમ ચા, કોફી અને નાસ્તાની લારીઓ પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. હવામાનમાં આવી રહેલા ફેરફારને પગલે બાળકો અને વૃદ્ધોએ ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડી વધુ અનુભવાતી હોવાથી ગરમ વસ્ત્રો પહેરવાની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બની છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે? તેના પર શહેરીજનોની નજર મંડાઈ છે.




