ગણપતિના ફાળાથી શરૂ થયેલો વિવાદ 50 લાખની ખંડણી સુધી પહોંચ્યો : માસ્કમેન શ્રેય પટેલ સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : ગણપતિના ફાળાના નામે શરૂ થયેલો વિવાદ હવે વેપારીને લાખોની ખંડણી માટે બ્લેકમેઇલ કરવાના ગંભીર આક્ષેપ સુધી પહોંચ્યો છે. અગાઉ ફાળો ન આપવા બદલ વેપારીને સાગરીતો સાથે મળી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ વેપારી તથા તેના મિત્રનો વીડિયો હોવાનો દાવો કરી સામાજિક પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપવામાં આવી હતી. વીડિયો વાયરલ નહીં કરવા માટે રૂ.50 લાખની માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીએ રૂ.80 લાખની ઓફર મળ્યાનો દાવો કરી વેપારીને માનસિક દબાણમાં મૂક્યો હતો. અંતે રૂ.25 હજાર રોકડા પણ પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવતાં ચકચાર મચી છે.
વાસણા-ભાયલી રોડ પર રહેતા અને જૂના પાદરા રોડ પર ઇલેક્ટ્રોનિક્સનો વેપાર કરતા વિશેષ ઠક્કરે શ્રેય પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગણપતિ સ્થાપનાના થોડા સમય પહેલાં કોફીન કેફે પાસે શ્રેય પટેલે તેની પાસે ફાળાની માગણી કરી હતી. અન્ય જગ્યાએ ફાળો આપી દીધો હોવાનું કહેતાં શ્રેય ઉશ્કેરાયો હતો અને મોંઘી ગાડીઓમાં ફરે છે, તેથી ફાળો આપવો જ પડશે તેવી ધમકી આપી હતી.
આ વિવાદ બાદ તા.25 સપ્ટેમ્બરની વહેલી સવારે વિશેષ ઘરે પહોંચ્યો ત્યારે શ્રેય ત્રણ સાગરીતો સાથે ત્યાં આવ્યો હતો. ફાળાના પૈસા ન આપવાની વાતને લઈને વિશેષને ટપલીઓ મારી ડંડાથી માર માર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા તેના મિત્રો સ્મિત પટેલ અને દેવ દોષી સાથે પણ મારામારી થઈ હતી. પોલીસ પહોંચતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને સમાધાન થયું હતું.
જોકે, ત્યારબાદ શ્રેયે સ્મિત પટેલનો સંપર્ક કરી પોતાની પાસે વિશેષ અને સ્મિતનો વીડિયો હોવાનું જણાવ્યું હતું. આ વીડિયો વાયરલ કરવા માટે રૂ.80 લાખની ઓફર મળી હોવાનો દાવો કરી રૂ.50 લાખ આપશો તો વીડિયો વાયરલ નહીં કરું તેવી માગણી કરી હતી. વારંવાર પૈસા માટે દબાણ કર્યા બાદ તા.14 ઓક્ટોબરે ઇસ્કોન મંદિર પાસે સ્મિત પાસેથી રૂ.25 હજાર રોકડા મેળવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
તા.19 ઓક્ટોબરે બંને મિત્રોએ આટલી મોટી રકમ આપી શકે તેમ ન હોવાનું જણાવતાં શ્રેયે નામ બદનામ કરવાની, પરિવારની કુંડળી પોતાની પાસે હોવાની અને ઘરની બહાર નીકળી ન શકો તેવી હાલત કરવાની ધમકી આપી હતી. મિત્રની રાજકીય કારકિર્દી પણ ખતમ કરી નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અંતે વીડિયો વાયરલ થવાના ભય અને સતત મળતી ધમકીઓથી કંટાળીને વિશેષ ઠક્કરે રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટ સહિતના પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.




