વોર્ડ નંબર -૧૩ માં ઇન્ટરનેટ ખોરવાતા વેરા વસુલાતની કામગીરી અટકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની એડવાન્સ ભરપાઈને પ્રોત્સાહન આપવા એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજના અમલમાં મૂકી છે. બીજી તરફ વેરા ભરવા માટે કચેરીએ પહોંચતા કરદાતાઓને અવારનવાર ટેકનિકલ ખામીઓના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વેરા વસુલાત માટે નવી વી-મેપ સિસ્ટમ અમલમાં મૂકી છે. જોકે નવી સિસ્ટમ લાગુ થયા બાદ અવારનવાર સર્વર અને કનેક્ટિવિટી સંબંધિત સમસ્યાઓ ઉભી થતાં વેરા વસુલાતની કામગીરી પ્રભાવિત થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
આજે વોર્ડ નંબર-૧૩ કચેરી ખાતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા વેરા વસુલાતની કામગીરી સંપૂર્ણપણે બંધ રહી હતી. વેરો ભરવા માટે કરદાતાઓ કચેરીએ પહોંચ્યા હતા, જેમાં સિનિયર સિટીઝનોનો પણ સમાવેશ થતો હતો. કામગીરી શરૃ નહીં થતા તેમને નિરાશ થઈ પરત ફરવું પડયું હતું.
આઈટી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઇન્ટરનેટનો કેબલ કપાઈ જતાં કનેક્ટિવિટી ખોરવાઈ હતી અને તેના કારણે વેરા વસુલાતની કામગીરી થઈ શકી નહોતી. બીજી તરફ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વિન્ડોઝ આધારિત વેરા વસુલાત સિસ્ટમ કાર્યરત હતી, જેમાં ઇન્ટરનેટ બંધ હોવા છતાં કેટલીક કામગીરી શક્ય બનતી હતી. હાલ વેબ આધારિત વી-મેપ સિસ્ટમ અમલમાં હોવાથી ઇન્ટરનેટ સેવા ખોરવાય ત્યારે ફિઝિકલ વેરા વસુલાત પણ અટકી જાય છે.









