Baroda

દુકાનદારોએ પૈસા પૂરા ભર્યા, જથ્થો ઓછો મળ્યો દિવાળી ટાણે રેશનકાર્ડ ધારકોને સિંગતેલનો પૂરો જથ્થો નહી મળી શકે

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં દિવાળી ટાણે સરકારી સિંગતેલનો જથ્થો ઓછો ફાળવાતા લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. પુરવઠા વિભાગે દુકાનદારો પાસેથી ૧૦૦% નાણાં લીધા, પરંતુ ૬૦-૮૦% જ તેલ પહોંચાડ્યું. આથી, અનેક કાર્ડધારકોને તેલ નહીં મળે તેવો ઘાટ સર્જાયો છે. જિલ્લા પુરવઠા અધિકારી સિધ્ધી વર્માએ ઓછો જથ્થો મળ્યાની વાત નકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુકાનદારોએ પૈસા પૂરા ભર્યા, જથ્થો ઓછો મળ્યો દિવાળી ટાણે રેશનકાર્ડ ધારકોને સિંગતેલનો પૂરો જથ્થો નહી મળી શકે

વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી સિંગતેલ મેળવતા અનેક ગ્રાહકોને સામી દિવાળીએ જ તેલ નહી મળે તેવો ઘાટ સર્જાશે. તેલ લેવાને પાત્ર લાભાર્થીઓની સામે પુરવઠાખાતા દ્વારા દુકાનદારોને ૨૦થી ૪૦ ટકા જેટલો ઓછો જથ્થો ફાળવ્યો છે જેના કારણે હવે દુકાનદારો તેમજ લાભાર્થીઓને રોજે રોજ અથડામણ થાય તેવા સંજોગો સર્જાયા છે.
દિવાળી પર્વ માટે વિતરણ કરવાનું થતું તેલ ચાલુ ઓક્ટોબર માસમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પાસે ૧૦૦ ટકા મુજબ તેલના નાણા ભરાવવામાં આવ્યા છે. જો કે પૂરેપૂરી રકમ સરકારી તિજોરીમાં ભરાવ્યા બાદ દુકાનો પર ૬૦થી ૮૦ ટકા મુજબ જ તેલ પહોંચાડવામાં આવી રહ્યું છે.
દિવાળીના સપરમા દિવસોમાં દુકાનદારોના ૨૦ ટકા તેલના પૈસા સરકારે દબાવી દીધા જે ક્યારે પરત આપશે એની કોઈ નિશ્ચિતતા નથી તેમ દુકાનદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રેશનિંગ દુકાનો પર ૧૦૦ ટકા કાર્ડધારકોમાંથી ૮૦ ટકા કાર્ડધારકોને વહેલા તે પહેલાના ધોરણે તેલ મળશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બાકી રહી ગયેલા કાર્ડધારકોને દિવાળીમાં જ તેલ નહી મળતા તેનો રોષ દુકાનદારો પર ઠાલવી રહ્યા છે. આ બાબતે કાર્ડધારક ઓનલાઈન ફરિયાદ કરે તો ઊલટા ચોર કોટવાળને દંડે એમ વિભાગ દુકાનદારને પૂછશે અને કહેશે કે કાર્ડધારકને તેલ આપ્યું કેમ નથી તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સિધ્ધી વર્માએ જણાવ્યું હતું કે કોઇ દુકાનદારને ઓછું તેલ આપવામાં આવ્યું નથી અને જો તેમ હશે તો તેમને માગણી મુજબનું તેલ પૂરું પડાશે.
ઉલ્લેખનીય છે કે પુરવઠા વિભાગ દ્વારા રૃા.૯૭ના દરે એક લિટર સિંગતેલ પાઉચનું વિતરણ રેશનિંગ દુકાનદારોને કરવામાં આવે છે જ્યારે દુકાનદાર લાભાર્થીને રૃા.૧૦૦ના દરે વેચાણ કરે છે.