ગરાસિયા મોહલ્લામાં ત્રણ દિવસથી ગટરનાં પાણી ફરી વળ્યાં, વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના વોર્ડ નંબર-12ના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠાના ગરાસિયા મોહલ્લામાં ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિક રહીશોની મુશ્કેલી વધારી છે. છેલ્લા ત્રણ દિવસથી ગટરનાં ગંદા પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતાં દુર્ગંધ અને ગંદકીનો માહોલ સર્જાયો છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નહીં આવતાં રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગટર ઉભરાવાની ફરિયાદ કરવામાં આવે ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર આવે છે અને સળિયા વડે ગટર સાફ કરવાની કામગીરી કરીને જતા રહે છે. જોકે, થોડા સમય બાદ ફરી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે. વારંવાર ફરિયાદો કરવા છતાં માત્ર હંગામી કામગીરી કરવામાં આવે છે, જ્યારે વર્ષો જૂની ગટરલાઇન બદલીને નવી લાઇન નાખવામાં આવતી નથી. પરિણામે છેલ્લા ત્રણ દિવસથી ગટરના પાણી રસ્તા પર ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
રહીશોએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વારંવાર ફરિયાદો કરવામાં જ લોકોનો સમય વેડફાય છે. તંત્રની ફરજ છે કે સ્થાનિકોની સમસ્યાઓ પર ધ્યાન આપે અને તેનો કાયમી ઉકેલ લાવે. ગટરના પાણીના કારણે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતાવી રહી છે.
સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરે રહીશોની રજૂઆતો સાંભળવાની જરૂર છે. વર્ષો જૂની ગટરલાઇનને કારણે વારંવાર આ સમસ્યા સર્જાય છે ત્યારે નવી ગટરલાઇન નાખીને કાયમી ઉકેલ લાવવો જોઈએ. મોંઘવારીના સમયમાં લોકોને દવાખાનાના ખર્ચા પોસાય તેમ નથી. આવી સ્થિતિમાં ગંદકીના કારણે બીમારીઓ ફેલાય તે પહેલાં તંત્રએ તાત્કાલિક કામગીરી કરવી જોઈએ.
દરમિયાન, ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સળિયા વડે ડ્રેનેજ લાઇન સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, સ્થાનિકોની માગ માત્ર હંગામી સફાઈની નહીં, પરંતુ વર્ષો જૂની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટે નવી ગટરલાઇન નાખવાની છે.




