Baroda

બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ, 2500 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ

By GS Team
26 Oct 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળતાં ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે. છેલ્લા 2 વર્ષમાં 7 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થતાં 30 શિક્ષકો ફાજલ થયા છે. 2500 વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ લેવો પડ્યો છે. DEO કચેરી દ્વારા વર્ગો બંધ કરવાની મંજૂરી અપાતા શાળાઓ રાતોરાત બંધ થવાનો વારો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ, 2500 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ

ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા છે.શહેરમાં છેલ્લા બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ હોવાની જાણકારી સામે આવી છે.આ સ્કૂલો બંધ થવાના કારણે ૩૦ શિક્ષકો ફાજલ થયા છે.જેમને અન્ય સ્કૂલોમાં નિમણૂક અપાઈ છે પણ સૌથી વધારે નુકસાન વાલીઓ અને વિદ્યાર્થીઓને થયું છે.
આ સ્કૂલોમાં અભ્યાસ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા હતા.ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા વાગવાના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલોમાં અથવા તો ઘરથી દૂર આવેલી અન્ય ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે.
શૈક્ષણિક આલમમાં તો એવી પણ ચર્ચા છે કે,ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં વાલીઓ ભણાવવા નથી માંગતા તો બીજી તરફ ડીઈઓ કચેરીને ગ્રાન્ટેડ સ્કૂલો ચાલુ રહે તેવા પ્રયાસો કરવામાં રસ નથી.કેટલાક કિસ્સામાં તો એક સાથે ત્રણ થી ચાર વર્ગો બંધ કરવાની મંજૂરી ડીઈઓ કચેરીએ આપી છે અને તેના કારણે સ્કૂલના વર્ગો તબક્કાવાર બંધ થવાની જગ્યાએ આખી સ્કૂલ જ રાતોરાત બંધ કરવાનો વારો આવ્યો છે.છેલ્લા બે વર્ષમાં સરકારની વાહવાહી કરતા કાર્યક્રમોને બાદ કરતા ડીઈઓ કચેરી દ્વારા ઓછા પરિણામવાળી ગ્રાન્ટેડ સ્કૂલોનું પરિણામ વધે કે પછી શિક્ષકોના તાલીમના વર્કશોપ યોજાય તેવા કોઈ પગલા લેવાયા નથી.ઉલટાનું વડોદરા ડીઈઓ કચેરીમાં મહેશ પાંડેને ઈન્ચાર્જ ડીઈઓ તરીકે રાખીને શિક્ષણ વિભાગ કામ ચલાવી રહ્યો છે.એટલું જ નહીં તેમને નવી બનેલી વડોદરા ગ્રામ્યની ડીઈઓ કચેરીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

કઈ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ
સહકાર વિદ્યાલય, ગોત્રી
ભારતી વિદ્યાલય, બરાનપુરા
વિદ્યા વિકાસ સ્કૂલ, સુભાનપુરા
શારદા મંદિર, સલાટવાડા
ક્રિષ્ણા વિદ્યાલય, વાસણા રોડ
મહર્ષિ અરવિંદ વિદ્યાલય, આજવા રોડ
જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ

વર્ગ ચાલુ રાખવા માટે ૩૬ વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી જરુરી
સ્કૂલમાં વર્ગ ચાલુ રાખવા માટે શહેર વિસ્તાર હોય તો ૩૬ વિદ્યાર્થીઓની સરાસરી હાજરી અને ગ્રામ્ય વિસ્તાર હોય તો ૨૪ વિદ્યાર્થીઓની સરાસરી હાજરી જરુરી હોય છે.તેનાથી ઓછી હાજરી હોય તેવા કિસ્સામાં વર્ગ બંધ કરવામાં આવે છે અને રહ્યા સહ્યા વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં પ્રવેશ અપાવાય છે.

એમ સી હાઈસ્કૂલ બંધ કરવાના આદેશ સામે સંચાલકોની અપીલ
શહેરની મરાઠી માધ્યમની એક માત્ર ગ્રાન્ટેડ સ્કૂલ એમ સી હાઈસ્કૂલના પણ ધો.૯ થી ૧૨ના ચાર વર્ગો સરાસરી સંખ્યાના અભાવે બંધ કરવા માટેનો આદેશ ડીઈઓ કચેરીએ આપ્યો છે.જેની સામે સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલ કમિશનર કચેરીમાં અપીલ કરવામાં આવી છે.સ્કૂલ દ્વારા વર્ગો બંધ ના થાય તે માટે કોઈ પણ રીતે શિક્ષણ ચાલુ રાખવામાં આવતું હતું પણ ડીઈઓ કચેરીએ તો એક સાથે ચાર વર્ગો બંધ કરી દેવા માટે આદેશ આપતા શૈક્ષણિક આલમમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.એમસી હાઈસ્કૂલ વડોદરાના ગૌરવશાળી વારસાનું પણ પ્રતિક ગણાય છે અને અત્યારે મરાઠી માધ્યમની આ એક માત્ર સ્કૂલ ચાલુ છે.જોકે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને માત્ર ૭૭ રહી છે તેવું સ્કૂલના સૂત્રોનું કહેવું છે.

વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ગ્રાન્ટેડ સ્કૂલોના ૧૮ વર્ગો બંધ
સાત ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા વાગવાની સાથે સાથે વર્તમાન શૈક્ષણિક વર્ષમાં વિવિધ ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.૯ થી ૧૨ના ૧૮ જેટલા વર્ગો બંધ થયા છે.દર વર્ષે ડીઈઓ કચેરી દ્વારા આ માટે સ્કૂલો પાસે દરખાસ્ત મંગાવાય છે.જે મોકલવા માટે તા.૩૧ ઓગસ્ટ છેલ્લી તારીખ હતી.મળતી જાણકારી પ્રમાણે શહેર અને જિલ્લામાં મળીને ૧૮ વર્ગો બંધ કરવા માટે સ્કૂલો દ્વારા દરખાસ્ત મળી હતી.જેને મંજૂરી આપી દેવાઈ છે.