Baroda

ઔદ્યોગિક સંગઠનોના ઉહાપોહ બાદ ઉદ્યોગોમાં વીજ કાપનો પરિપત્ર વીજ કંપનીએ પાછો ખેંચ્યો

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં MGVCL દ્વારા ઉદ્યોગોને વીજ વપરાશ બંધ રાખવાના પરિપત્ર સામે ઔદ્યોગિક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દિવાળી પૂર્વે ઓર્ડરો પૂરા કરવા ઉત્પાદન ચાલુ રાખવું જરૂરી હોવાથી, GIDC એસોસિએશન સહિતના સંગઠનોએ તાત્કાલિક બેઠક યોજી રજૂઆત કરી. સાર્વત્રિક વિરોધને પગલે વીજ કંપનીએ ગણતરીના કલાકોમાં પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઔદ્યોગિક સંગઠનોના ઉહાપોહ બાદ ઉદ્યોગોમાં વીજ કાપનો પરિપત્ર વીજ કંપનીએ પાછો ખેંચ્યો

મધ્ય ગુજરાત વીજ કંપનીએ વડોદરાના ઉદ્યોગોમાં વીજ વપરાશ બંધ રાખવાની સૂચના આપતો પરિપત્ર પાઠવ્યા બાદ ઔદ્યોગિક સંગઠનોએ તેની સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે વીજ કંપનીના સત્તાધીશોએ પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે.
વાતાવરણમાં બદલવાના કારણે અપેક્ષા કરતા પડી રહેલી વધારે ગરમીની વચ્ચે અને વરસાદના અભાવે ગુજરાતની વીજ માગમાં ભારે વધારો નોંધાયો છે અને હવે સરકાર વીજ કાપની તૈયારીઓ કરી રહી છે ત્યારે તા.૧૭ના રોજ વડોદરા શહેરના નંદેસરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઔદ્યોગિક સંગઠનોને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, હવેથી રોજ સાંજે ચાર થી રાત્રે બાર વાગ્યા સુધી ઉદ્યોગોમાં વીજ વપરાશ બંધ રાખવાનો રહેશે અને રવિવારે તો ઉત્પાદન સંપૂર્ણ બંધ રાખવાનું રહેશે.આ સૂચનાનો અમલ નહીં કરનાર ઉદ્યોગો સામે વીજ જોડાણ કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.પરિપત્રનો તા.૧૮ ઓકટોબરથી અમલ થવાનો હતો.જોકે આ પ્રકારની સૂચના બાદ ઔદ્યોગિક સંગઠનો ભડકી ઉઠયા હતા.સંગઠનોના આગેવાનોએ પોતાના વિસ્તારના વીજ કંપનીના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને આ પરિપત્રનો વિરોધ કર્યો હતો.સંગઠનોનું કહેવું હતું કે, દિવાળી પર્વ નજીક છે ત્યારે પહેલેથી લેવામાં આવેલા ઓર્ડરો પૂરા કરવા માટે પણ ઉત્પાદન ચાલુ રાખવું જરુરી છે.આ વીજ કાપથી તો ઉદ્યોગોની હાલત કફોડી થઈ જશે.જોકે સાર્વત્રિક વિરોધ બાદ ગણતરીના કલાકોમાં વીજ કંપની દ્વારા આ પરિપત્ર પાછો ખેંચવામાં આવ્યો હતો.

આરઓ અને એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બંધ રાખી શકાય તેમ જ નથી
નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના એક આગેવાને કહ્યું હતું કે, જીઆઈડીસીમાં આરઓ પ્લાન્ટ છે.જ્યાંથી પાણી મેળવવામાં આવે છે.આ ઉપરાંત એફ્લ્યુઅન્ટ ચેનલ માટેનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે.જેમાં પાણી ટ્રીટ કર્યા બાદ ચેનલમાં છોડવામાં આવે છે.આ બંને પ્લાન્ટ માટે વીજળીની જરુર પડતી હોય છે અને તે કોઈ પણ સંજોગોમાં બંધ રાખી શકાય નહીં.ઉપરાંત રવિવારે તો આખી જીઆઈડીસી બંધ રાખવાની સૂચના હતી.જે પણ શક્ય નથી અને તેના કારણે અમારે વિરોધ વ્યક્ત કરવો પડયો હતો.

દિવાળી પછી વીજ કાપની આશંકા
અન્ય એક ઉદ્યોગકારે કહ્યું હતું કે, શક્ય છે કે, દિવાળી સામે છે અને વધારે વિરોધ ના થાય તે માટે આ નિર્ણયનો અમલ કામચલાઉ ધોરણે મોકૂફ રાખવામાં આવ્યો હોય.બાકી જો વીજ માગને પહોંચી નહીં વળાય તો શક્ય છે કે, દિવાળી બાદ ફરી ઉદ્યોગો પર વીજ કાપનો નિર્ણય લાગુ કરવામાં આવશે.