STની વોલ્વો બસમાં પ્રવાસીની રોકડ મૂકેલ પર્સની ઉઠાંતરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરા એસટી ડેપો પર ઊભેલી વોલ્વો બસના પ્રવાસી વોશરૃમ માટે નીચે ઉતર્યા ત્યારે માત્ર પાંચ મિનિટમાં જ સીટ પર મૂકેલ અમદાવાદના દંપતીનું રૃા.૫૦ હજાર રોકડનું પર્સ ગાયબ થઇ ગયું હતું.
અમદાવાદના સાઉથ બોપલમાં સાન્વી નિર્માણ ખાતે રહેતા તૃપ્તિ નરેશભાઇ શર્માએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો મોટો પુત્ર ભરૃચની ખાનગી બેન્કમાં નોકરી કરે છે અને તે ત્યાં જ રહે છે. તા.૨૮ના રોજ હું તેમજ મારા પતિ બંને મોટા પુત્ર ભુવનેશના ઘેર ભરૃચ જવા માટે અમદાવાદ નહેરુનગરથી નવસારી જતી વોલ્વો બસમાં બેસી રાત્રે નીકળ્યા હતાં.
અમારી પાસે સામાનમાં ચાર બેગ હતી જેમાં બે બેગ લગેજ બોક્સમાં મૂકી બે બેગ સાથે રાખી હતી. રાત્રે સાડા બાર વાગે બસ મકરપુરા એસટી ડેપો પર આવતા કંડક્ટરે ૧૦ મિનિટ બસ રોકાશે તેમ કહેતા હું તેમજ મારા પતિ બંને પાંચ મિનિટ માટે નીચે ઉતર્યા હતાં તે સમયે બંને બેગ સીટ પર રાખી હતી. બસ ઉપડયા બાદ મેં ફોન કરવા માટે બ્રાઉન કલરનું પર્સ ચેક કરતા તે જણાયું ન હતું. આ પર્સમાં રૃા.૫૦ હજાર રોકડ હતી. કોઇ ગઠિયો અમારી ગેરહાજરીનો લાભ લઇ બેગમાં રોકડ મૂકેલ પર્સ તફડાવી ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




