Baroda

દિવાળીમાં વતન જવા રેલવેની ટિકિટ માટે મુસાફરોની રઝળપાટ

By GS Team
29 Oct 20263 mins read
TukuTouch Logo
દિવાળી અને છઠપૂજાના તહેવારોને કારણે વડોદરા સહિતના શહેરોમાં વસતા પરપ્રાંતિય લોકોને વતન જવામાં મુશ્કેલી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેનોમાં 60 દિવસ અગાઉનું બુકિંગ ફૂલ છે, જ્યારે તત્કાલ ટિકિટ પણ મળતી નથી. આઈઆરસીટીસી પોર્ટલ પર સર્વર ડાઉન અને OTPની સમસ્યાને કારણે મુસાફરોને ટિકિટ મળતી નથી. ખાનગી વાહનોમાં 3 ગણા ભાડા ચૂકવીને લોકો વતન જઈ રહ્યા છે. રેલવે દ્વારા વધારાના કોચ જોડવાની રજૂઆતો છતાં કોઈ જાહેરાત થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીમાં વતન જવા રેલવેની ટિકિટ માટે મુસાફરોની રઝળપાટ

દિવાળી અને છઠપૂજાના તહેવારો નજીક આવતા વડોદરા સહિતના મોટા શહેરોમાં વસતા પરપ્રાંતિય લોકો વતન જવા માટે તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ રેલવેની ટિકિટ મેળવવી તેમના માટે મોટો પડકાર બની ગઈ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ જતી ટ્રેનોની ટિકિટ માટે મુસાફરો ઠેર ઠેર ભટકી રહ્યા છે.

૬૦ દિવસ અગાઉનું એડવાન્સ બુકિંગ ક્યારનું ફુલ થઈ ગયું છે અને હાલ રોજ એક ટ્રેન પર અંદાજે ૧૦૦ લોકોનું વેઇટિંગ છે. તત્કાલ બુકિંગ પણ મુસાફરો માટે રાહતરૃપ બન્યું નથી. સવારે ૧૦ વાગ્યે બુકિંગ શરૃ થતાં જ આઈઆરસીટીસી પોર્ટલ પર ગણતરીની સેકન્ડોમાં બેઠકો ફુલ થઈ જાય છે. આધાર કાર્ડના ઓટીપી સમયસર ન મળતા અને સર્વર ડાઉન થવાની ફરિયાદોને કારણે સામાન્ય મુસાફરો ટિકિટથી વંચિત રહી ગયા છે. ટ્રેનની ટિકિટ નહીં મળતા મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. દિવાળી દરમિયાન બસ અને ટ્રેન બંનેમાં ભારે ભીડ હોવાથી અનેક લોકોને ત્રણ ગણા ભાડા ચૂકવીને ખાનગી વાહનોમાં વતન જવાની નોબત આવી છે.

બીજી તરફ કેટલાક ટુર ઓપરેટરો અને અનધિકૃત એજન્ટો બોગસ કે અસંબંધિત મુસાફરોના નામે મોટી સંખ્યામાં કન્ફર્મ ટિકિટો અગાઉથી બુક કરી લઈ તે ઊંચા ભાવે અન્ય પ્રવાસીઓને વેચતા હોવાની શંકા સેવાઈ રહી છે. રેલવે દ્વારા આવા ઓપરેટરોને કોઈ ખાસ કોચ કે સીટ ક્વોટા ફાળવાયો ન હોવા છતાં તેમની પાસે કન્ફર્મ ટિકિટો કેવી રીતે પહોંચે છે, તે તાકીદ તપાસનો મુદ્દો છે. પર્સનલ આઈડી અગાઉથી બનાવી રાખી બૂકિંગ કરાતું હોવાની પણ ફરિયાદો છે.

કંપનીઓને કાળાબજારી માટે છૂટો દોર!

રેલવે દ્વારા કેટલીક કંપનીઓને ક્વોટા ફાળવાયો છે. આ કંપનીઓ પ્રતિ ટિકિટ રૃા.૫૦ એકસ્ટ્રા ચાર્જ વસૂલે છે. તો કેટલીક એપ્લિકેશન અને પોર્ટલ પર કન્ફર્મ ટિકિટ આપવાનો દાવો કરાય છે અને ટિકિટ કન્ફર્મ થાય તો રૃા.૧૫૦થી લઈને રૃા.૯૦૦ સુધી એક્સ્ટ્રા વસૂલાય છે. જ્યારે અધિકૃત એજન્ટને છ ટિકિટ પાછળ  રૃા.૨૦ કમિશન મળે છે અને તે વધારાના પૈસા લે તો દંડાત્મક કાર્યવાહી થાય છે. એજન્ટોનો આક્ષેપ છે કે આવી એપ્લિકેશનો અને પોર્ટલ સામે આંખ આડા કાન કરાય છે, જે કાયદા અને નિયમોમાં ભેદભાવ દર્શાવે છે અને એક પ્રકારની કાળાબજારી છે.

રેગ્યુલર ટ્રેનોમાં વધારાના કોચ જોડવા રજૂઆતો

તહેવારોના લીધે નિયમિત ટ્રેનોમાં મહિનાઓ અગાઉથી બેઠકો ભરાઈ જવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો, કામદારો અને છેલ્લી ઘડીએ મુસાફરી કરનારાઓને કન્ફર્મ ટિકિટ મળતી નથી. પશ્વિમ રેલવે દ્વારા નિયમિત દોડતી ટ્રેનોમાં ઓછામાં ઓછા ૨થી ૩ વધારાના જનરલ કોચ અસ્થાયી કે કાયમી ધોરણે જોડવા અને સ્થળ પર જ ટિકિટની વ્યવસ્થા કરી આપવા વિવિધ એસોસિએશન, ડીઆરયુસીસી સભ્યો અને મુસાફરો દ્વારા અગાઉ રેલવે વિભાગને રજૂઆતો કરાઈ છે, પરંતુ હજુ સુધી એક્સ્ટ્રા કોચની કોઈ જાહેરાત થઈ નથી.

ટિકિટ કન્ફર્મ ના થાય તો પણ રૃા.૮૦નો ચાર્જ

રેલવેમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવ્યા બાદ કન્ફર્મ ટિકિટ ના મળે તો પણ રૃા.૮૦ ચાર્જ ચૂકવવો પડતો હોવાની બાબતે મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. મુસાફરોના જણાવ્યા મુજબ, ટિકિટ રદ કરાવનાર પાસેથી નિયત ચાર્જ વસૂલવામાં આવે તે સમજી શકાય, પરંતુ રેલવે પોતે જ ટિકિટ કન્ફર્મ ના કરી શકે તો પણ મુસાફર પાસેથી ચાર્જ વસૂલવો કેટલા અંશે યોગ્ય છે. ક્ષમતા કરતાં વધુ બુકિંગ સ્વીકારવું જોઈએ નહીં તેવું પણ મુસાફરોનું કહેવું છે. પેસેન્જર એસોસિએશન, વડોદરા દ્વારા જણાવાયું છે કે જો રેલવે પોતે ટિકિટ કન્ફર્મ ના કરી શકે  તો રિફંડની રકમ કપાત વગર ચૂકવવી જોઈએ.