નેશનલ બ્લાઇન્ડ ચેસ ચેમ્પિયન અનિકેતની વિટંબણાઃચોરાયેલું લેપટોપ તો મળ્યું પણ નેશનલ સ્પર્ધાની તૈયારી નહિ કરી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં રહેતા અનિકેત પટણી નામના યુવકની જીવનયાત્રા અત્યંત કઠિન અને સંઘર્ષમય રહી છે.બંને આંખ ગૂમાવવા છતાં ગ્રેજ્યુએટ થઇને નેશનલ કક્ષાએ ચેસ ચેમ્પિયન બનેલા અનિકેતની જિંદગીમાં વધુ એક પડકાર આવ્યો છે,જેમાં તેનું ખાસ પ્રકારનું લેપટોપ ચોરી થયું હતું.આ લેપટોપ મળી તો ગયું છે.પરંતુ તેને છોડાવવા માટે કાનૂની પ્રક્રિયા કરવી પડે તેમ હોવાથી અનિકેત આગામી નેશનલ લેવલની ચેસ ટુર્નામેન્ટની તૈયારી નહિ કરી શકે.
બરાનપુરા ચોપદાર ફળિયામાં રહેતા અનિકેત પટણીના પિતા ચન્દ્રકાન્તભાઇ રિક્ષા ચલાવી ગુજરાન કરે છે.જ્યારે માતા વૈશાલી બેન ઘરકામ કરે છે.અનિકેતનું બાળપણ ખૂબ જ તરવરાટ ભર્યું હતું.સતત પડકારોનો સામનો કરવા ટેવાયેલા અનિકેતે બંને આંખ ગૂમાવ્યા પછી પણ ક્યારેય પાછીપાની કરી નથી.તેણે સુભાનપુરાના સમાજ સુરક્ષા સંકુલ રિસોર્સ સેન્ટરમાં અભ્યાસ કરી અમદાવાદ અપડાઉન કરીને ગ્રેજ્યુએશન કર્યું હતું.
અનિકેતને નાનપણથી ચેસ રમવું ગમતું હતું.આ દરમિયાન બ્લાઇન્ડ શિક્ષક અશ્વિન ભાઇ મકવાણા અને અન્ય શિક્ષકોએ અનિકેતને ચેસ રમવાથી માનસિક શાંતિ મળશે તેમ કહી આગળ વધવા માટે માર્ગદર્શન આપતાં તેણે સ્ટેટ અને નેશનલ લેવલની બ્લાઇન્ડ ચેસ સ્પર્ધામાં સતત મેડલ મેળવવા માંડયા હતા.આ માટે પૂણેની એક સંસ્થાએ તેને એક લેપટોપ આપ્યું હતું.જે લેપટોપ પર ચેસની પ્રેક્ટિસ કરવાથી તેને સફળતા મળી હતી.
કમનસીબે ગઇ તા.૪થીએ તેના મકાનમાં ઘૂસેલો ચોર લેપટોપ,મોબાઇલ અને રોકડા રૃ.૧૨૦૦ ચોરી જતાં અનિકેત પર આભ તૂટી પડયું હતું.આગામી તા.૨૩મી નવેમ્બરે અમદાવાદમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ યોજાવાની હોવાથી તેની તૈયારી માટેનું લેપટોપ ચોરાઇ જતાં તેના પર આભ તૂટી પડયું હતું.જો કે ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસે તનતોડ મહેનત કરતાં લેપટોપ ચોરનાર રીઢો ચોર સૂરજ કમલેશ ચૂનારા (વિઠ્ઠલવાડી,બરાનપુરા)ને લેપટોપ સાથે ઝડપી પાડયો છે.
અનિકેત માટે ખૂબ જ ખુશીની વાત છે પણ લેપટોપ છોડાવતાં તેને કાનૂની પ્રક્રિયા પાર કરવી પડશે.જેમાં દિવાળીને કારણે વિલંબ થાય તેમ હોવાથી અનિકેત આગામી રાષ્ટ્રીય ટુર્નામેન્ટની તૈયારી નહી કરી શકે.અનિકેતનું કહેવું છે કે,મારા માટે સૌથી કપરી સ્થિતિ સર્જાઇ છે અને તેનું મને ખૂબ દુઃખ છે.
સળિયો વાગતાં એક આંખ ગૂમાવી,બોલ વાગતાં બીજી આંખ પણ ચાલી ગઇ
બરાનપુરા ચોપદાર ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય અનિકેત માટે ૯થી૧૧ વર્ષની વય પીડાદાયક સાબિત થઇ હતી.
અનિકેતના પરિવારજનોના કહેવા મુજબ અનિકેત અન્ય બાળકોની જેમ હસતો,રમતો અને ભણતો હતો.પરંતુ એક વખત રમતમાં સળિયો વાગી જતાં એક આંખ ગૂમાવવી પડી હતી.ત્યારબાદ થોડા જ સમયમાં તેના મોંઢાના ભાગે બોમ્બ ફૂટતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
અનિકેતે સારવાર લીધી હતી અને તેનું જીવન રાબેતા મુજબનું બને ત્યાંજ ચાર-છ મહિનામાં ક્રિકેટ રમતી વખતે તેની આંખમાં બોલ વાગતાં ગંભીર ઇજા થઇ હતી અને બીજી આંખ પણ ગૂમાવી હતી.અનિકેતે કહ્યું હતંુ કે,મારા માતા-પિતા અને શિક્ષકો મારી દ્રષ્ટિ સમાન છે.તેમના સહારે જ હું રાષ્ટ્રીય કક્ષાએ ચેસનો ચેમ્પિયન બની શક્યો છું.




