Baroda

બાળકને બચાવવા દોડેલી માતાનો પગ લપસતા ત્રીજા માળેથી પટકાતા મોત

By GS Team
13 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાના તરસાલીમાં નવા ફ્લેટની સફાઈ કરવા ગયેલા દંપતી સાથે કરુણ ઘટના બની. 4.5 વર્ષનો બાળક બાલ્કની પાસે જતાં, તેને બચાવવા ગયેલા દક્ષાબેન પટેલ (ઉં.વ. 34)નો પગ લપસ્યો. રેલિંગ વગરની બાલ્કનીમાંથી ત્રીજા માળેથી નીચે પટકાતા તેમનું કરુણ મોત થયું. મકરપુરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકને બચાવવા દોડેલી માતાનો પગ લપસતા ત્રીજા માળેથી  પટકાતા મોત

તરસાલીમાં નવા મકાનમાં રહેવા જતા પહેલા સફાઇ કરવા દંપતી ગયું હતું. મસ્તી કરતું બાળક બાલ્કનીમાંથી નીચે પડી જશે તેવા ડરથી દોડી ગયેલી માતાનો પગ લપસતા તે ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. મકરપુરા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી શંકરપુરા સોસાયટીમાં રહેતા દક્ષાબેન ધવલકુમાર પટેલ (ઉં.વ.૩૪) અને તેમના પતિ તરસાલી વિસ્તારમાં જ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓએ નજીકમાં નિશી એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક ફ્લેટ ખરીદ કર્યો હતો. લાભ પાંચમથી તેઓ આ ફ્લેટમાં રહેવા માટે જવાના હતા. જેથી, દંપતી ફ્લેટમાં સફાઇ કામ કરવા ગયું હતું. પતિ પત્ની સાફ સફાઇ કરતા હતા.જ્યારે તેમનો સાડા ચાર વર્ષનો બાળક ઘરમાં મસ્તી કરતો હતો. તોફાની બાળક દોડતો બાલ્કની તરફ ગયો હતો. રેલિંગ વગરની બાલ્કનીમાંથી પુત્ર નીચે પડશે તેવી બીકથી માતા દક્ષાબેન તેને પકડવા માટે પાછળ દોડયા હતા. માતાને જોઇને બાળક તો પરત ઘરમાં દોડી આવ્યો હતો. પરંતુ, દક્ષાબેનનો પગ લપસી જતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેમનો જીવ બચી શક્યો નહતો.