Baroda

છબરડો..!: ઈજારો 9 ઓક્ટોબરે પૂર્ણ, ઓગસ્ટ સુધી વધારો કરવાની દરખાસ્ત: ચોમાસાના નામે કોન્ટ્રાક્ટમાં રૂ. 76 લાખના વધુ ખર્ચની દરખાસ્ત!

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીટુ ટ્રાવેલ્સને વાહનો ભાડે આપવાના રૂ. 60 લાખના વાર્ષિક ઇજારાની સમયમર્યાદા અને ખર્ચમર્યાદામાં રૂ. 76 લાખનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. ચોમાસું પૂરું થયા છતાં પ્રિ-મોન્સૂન અને ચોમાસાની કામગીરીનું કારણ દર્શાવી જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 સુધીના ખર્ચ વધારાની આ દરખાસ્ત પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છબરડો..!: ઈજારો 9 ઓક્ટોબરે પૂર્ણ, ઓગસ્ટ સુધી વધારો કરવાની દરખાસ્ત: ચોમાસાના નામે કોન્ટ્રાક્ટમાં રૂ. 76 લાખના વધુ ખર્ચની દરખાસ્ત!

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોના ઇજારાની સમયમર્યાદા અને ખર્ચમર્યાદા વધારી આપવાની પરંપરા શરૂ થઈ હોવાના વિપક્ષના આક્ષેપો વચ્ચે વધુ એક આવી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થઈ છે. કોર્પોરેશનને ભાડેથી વાહનો પૂરાં પાડતા બીટુ ટ્રાવેલ્સના વાર્ષિક ઇજારાની મુદત લંબાવવા સાથે ખર્ચમર્યાદામાં વધુ રૂ. 76 લાખનો વધારો કરવાની દરખાસ્ત મિકેનિકલ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે વાહનોની જરૂરિયાત માટે પ્રિ-મોન્સૂન અને ચોમાસાની કામગીરીનું કારણ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે. એટલું જ નહીં, ઓક્ટોબરમાં મંજૂરી માટે આવેલી દરખાસ્તમાં ઓગસ્ટ સુધીની સમય મર્યાદા વધારવાનો ઉલ્લેખ થતાં વહીવટી કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

દરખાસ્તમાં જણાવ્યા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ પુલ વિભાગ દ્વારા વિવિધ શાખાઓને જરૂરિયાત મુજબ વાહનો ફાળવવામાં આવે છે. કોર્પોરેશનના કામકાજ માટે અધિકારીઓને અન્ય શહેરો અને સ્થળોએ જવા માટે પણ વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે. કોર્પોરેશન પાસે પોતાનાં વાહનો પૂરતાં ન હોવાથી દર વર્ષે ખાનગી વાહનો ભાડેથી મેળવવા માટે ઇજારો આપવામાં આવે છે.

વડોદરાના બીટુ ટ્રાવેલ્સને 9 ઓક્ટોબર, 2026 સુધી રૂ. 60 લાખની ખર્ચમર્યાદામાં વાહનો ભાડેથી પૂરાં પાડવાનો વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો હતો. આ ઇજારા હેઠળ કોર્પોરેશનની વિવિધ કામગીરી માટે 12 વાહનો માસિક ધોરણે ફાળવવામાં આવે છે. આ ઉપરાંત, બહારગામની કામગીરી માટે રોજની જરૂરિયાત મુજબ ચાર વાહનો પણ ફાળવવામાં આવે છે.

દરખાસ્તમાં પ્રિ-મોન્સૂન અને મોન્સૂનની કામગીરીને ધ્યાનમાં રાખીને વાહનોની વ્યવસ્થા ચાલુ રાખવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. બીજી તરફ, અધિકારીઓ અને હોદ્દેદારો માટે ઇલેક્ટ્રિક કાર ભાડેથી મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. નવો ઇજારો આપવામાં ન આવે ત્યાં સુધી હાલના ઇજારાને ચાલુ રાખવા માટે ખર્ચમર્યાદામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. જાન્યુઆરીથી ઓગસ્ટ, 2026 સુધીના સમયગાળા માટે વધુ રૂ. 76 લાખનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્તમાં જણાવાયું છે.

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ દરખાસ્તના સમયગાળાને લઈને ઊભો થયો છે. ઓગસ્ટ, 2026 સુધીના ખર્ચમાં વધારો કરવાની દરખાસ્ત ઓક્ટોબર મહિનામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. તો શું દરખાસ્ત તૈયાર કરવામાં વિલંબ થયો છે કે પછી તેમાં સમયગાળો લખવામાં ભૂલ થઈ છે?

બીજી તરફ, અગાઉની રૂ. 60 લાખની ખર્ચમર્યાદા સામે વધુ રૂ. 76 લાખની માગણી કરવામાં આવી છે. એટલે કે, મૂળ ખર્ચમર્યાદા કરતાં પણ વધુ રકમની જરૂરિયાત ઊભી થઈ છે. ચોમાસાની કામગીરીના નામે વાહનો ભાડેથી મેળવવાની જરૂરિયાત દર્શાવાઈ રહી છે, ત્યારે ચોમાસું પૂરું થયા બાદ પણ ઇજારો લંબાવવાની અને ખર્ચ વધારવાની જરૂરિયાત અંગે સવાલો ઊભા થયા છે.