લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ થતાં વતન જવા મુસાફરોની કફોડી હાલત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવારને પગલે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. વતન જવા અને તહેવારની રજાઓમાં પ્રવાસ કરવા નીકળેલા મુસાફરોના ઘસારાને કારણે સ્ટેશનના પ્લેટફોર્મ પર સતત ભીડ જામી રહી છે. બીજી તરફ લાંબા અંતરની મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ દોડી રહી હોવાથી જનરલ કોચમાં મુસાફરી કરનારા લોકોની હાલત સૌથી વધુ કફોડી બની છે. જનરલ કોચમાં બેઠક મેળવવા માટે મુસાફરો વચ્ચે ભારે રકઝક થઈ રહી છે, જ્યારે કોચમાં ક્ષમતા કરતાં અનેકગણા મુસાફરો ભરાઈ જતાં ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી. કેટલીક ટ્રેનોના જનરલ કોચમાં એટલી હદે ભીડ જોવા મળી રહી છે કે જેથી મુસાફરોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આજે સાંજે ૬ વાગ્યે પ્લેટફોર્મ નંબર-૨ પર બાંદ્રા ટર્મિનસ- અમૃતસર જંકશન ટ્રેન આવી પહોંચી ત્યારે જનરલ કોચમાં ચઢવા માટે મુસાફરોની ભારે ભીડ ઊમટી પડી હતી. ખાસ કરીને ટ્રેનના જનરલ કોચમાં બેઠક મેળવવા માટે મુસાફરો વચ્ચે ધક્કામુક્કી, ખેંચતાણ અને ઉગ્ર વાદવિવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોચમાં પહેલેથી જ મોટી સંખ્યામાં મુસાફરો બેઠેલા હોવા છતાં વધુ મુસાફરો ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક મુસાફરો કોચના દરવાજા પાસે ટિંગાઈ જઈ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.
દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો વધે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી જ લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવા માટે રજૂઆતો કરાઈ હતી. જોકે મુસાફરોની આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન હોવાનું વર્તમાન સ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. પરિણામે ઓછા ભાડામાં મુસાફરી કરવા માગતા સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ તહેવારોના સમયગાળામાં સ્ટેશન પર આરપીએફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મુસાફરોની અવરજવર નિયંત્રિત કરવા માટે જરૃરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.




