પ્રાથમિક સુવિધાઓના અભાવે લક્ષ્મીનગરના રહીશોમાં રોષ : અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના લક્ષ્મીપૂરા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-9 હેઠળની લક્ષ્મીનગર સોસાયટીના રહીશોએ ગઈકાલે રાત્રે એકત્ર થઈ પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી પાણી, ડ્રેનેજ અને વીજ પુરવઠા સંબંધિત સમસ્યાઓ યથાવત્ છે, પરંતુ વારંવારની રજૂઆતો છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, જ્યારે વરસાદી કે અન્ય સંજોગોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. ઉપરાંત ડ્રેનેજ લાઈન અવારનવાર ચોકઅપ થતી હોવાથી ગંદકી અને દુર્ગંધની સમસ્યા પણ સર્જાય છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કાળઝાળ ગરમી દરમિયાન વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે. સવારે, બપોરે અને રાત્રે અવારનવાર વીજ સપ્લાય બંધ થઈ જતાં બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
એમજીવીસીએલ, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સંબંધિત અધિકારીઓ અને હોદ્દેદારોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી. રહીશોએ તંત્રને તાત્કાલિક અસરથી જરૂરી કામગીરી હાથ ધરી વિસ્તારની મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવાની માંગ કરી છે.









