ચેક રિર્ટનના બે અલગ-અલગ કેસોમાં જીલ બારોટને એક વર્ષની કેદની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રધાનમંત્રી આવાસો સસ્તામાં અપાવવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ આચરવાના કૌભાંડમાં સંડોવાયેલા જીલ બારોટને અદાલતે ચેક રિટર્નના બે અલગ-અલગ કેસોમાં એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આરોપી જીલ અશોક બારોટ (રહે. ચન્દ્રનગર, સોસાયટી, સુભાનપુરા)ને ધંધા માટે નાણાંની જરૃરિયાત ઊભી થતાં ફરિયાદી બંકીમ મગન પટેલ (રહે.સહયોગ ગાર્ડન પાસે,ગોરવા) પાસેથી રૃા.૨૮ લાખની માગ કરી હતી, જેથી ફરિયાદીએ વર્ષ ૨૦૨૩માં રૃા. ૨૮ લાખ ટુકડે-ટુકડે આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે જીલે, બંકીમ પટેલને ૮ ચેકો આપ્યા હતા, જે પૈકી રૃા.૩.૫૦ - ૩.૫૦ લાખના બે ચેક રિર્ટન થયા હતા. રકમ પરત કરવા અંગે જીલે ઉડાઉ જવાબ આપતા બંકીમે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદી તરફે વકીલે દલીલ કરી કે આરોપીએ ચેકની સહી પોતાની નથી તે અંગેનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી. ફરિયાદીના તરફેણના અનુમાનનું આરોપી તર્ફે ખંડન કરી શકેલ નથી.
કોર્ટે નોંધ્યું કે આરોપીને પોતાની સામે કેસ ચાલે છે તેની જાણ હોય ત્યારે આરોપીની અદાલત સમક્ષ હાજર થવાની ફરજ છે. તક આપવા છતાં આરોપી હાજર ના રહે તેવા સંજોગોમાં આરોપી કેસની કાર્યવાહીથી છટકવા અથવા જાણી જોઈને પોતે પોતાની સામેના કેસની કાર્યવાહીથી બચવા છુપાતો ફરતો હોય ત્યારે આરોપીની ગેરહાજરીમાં પણ કેસ ચાલી શકે છે.
વધુમાં ઉમેર્યું કે આરોપી દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા ના હોઈ એવું અનુમાન કરવાનું રહે છે કે ચેક કાયદેસરના લેણા પ્રત્યે આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી બંને કેસમાં એક વર્ષની સાદી કેદ અને ચેકોની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.
છેતરપિંડીના ગુનામાં લેપટોપ જપ્ત કરાયું
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને રૃા.૧૭.૭૫ લાખની છેતરપિંડી આચરવાના કિસ્સામાં કપુરાઈ પોલીસે આરોપી જીલ બારોટના અદાલત પાસેથી રિમાન્ડ મેળવ્યા છે. ગઈકાલે પોલીસે આરોપીની કાર અને મોબાઈલફોન જપ્ત કર્યા હતા. આજે પોલીસે આરોપીની સેવાસી ખાતે આવેલી ઓફિસેથી લેપટોપ જપ્ત કર્યું છે. આરોપીએ ડેટા ડિલિટ કરી દીધા હોઈ પોલીસે એફએસએલની મદદ લીધી છે. જીલે, નકલો કાઢવા માટે આ લેપટોપનો ઉપયોગ કર્યો હતો.
ભાજપના હોદ્દેદારો સાથે ઘરોબો ધરાવે છે
જીલ બારોટ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. જીલના કરતૂતોનો ભાંડાફોડ થતા હવે સોશ્યલ મીડિયામાં જીલના ભાજપના ધારાસભ્યો, સાંસદ સહિતના હોદ્દેદારો સાથેના ફોટા વાયરલ થતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૬,માં જીલે લક્ષ્મીપુરા રોડ પર આવેલા સોના પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્નોત્સવ અને ડાયરાનું આયોજન કરી અઢળક નાણાં ખર્ચ્યા હતા. આ પ્રસંગે પણ ભાજપના અનેક આગેવાનો હાજર રહ્યાં હતા.
વિધવા પાસેથી રૃા.૬.૫૦ લાખ પડાવ્યા!
જીલ બારોટ સામે ગુનો નોંધાયા બાદ ભોગ બનનાર સામે આવી રહ્યા છે. જીલે લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં વિધવા કેલાશબેન સાથે પણ મકાન અપાવવાના બહાને રૃા.૬.૫૦ લાખ પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. ભોગ બનનારનું કહેવું છે કે બે વર્ષથી જીલ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશનના ઘક્કા ખાઈ રહ્યા છે. ગોત્રી, અકોટા, લક્ષ્મીપુરા, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધક્કા ખાધા બાદ આખરે વકીલ મારફતે જીલ બારોટ સામે ફરિયાદ કરાઈ હતી.




