Baroda

કોટંબીમાં ભારત–ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટનો રોમાંચ, આજે બંને ટીમોનું વડોદરામાં આગમન

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 23, 25 અને 28 ઓક્ટોબરે ભારત-ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 3 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે. કોટંબી સ્થિત BCA સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચો માટે બંને ટીમોનું આજે આગમન થશે. ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને વડોદરાની યાસ્તિકા ભાટિયા જેવી સ્ટાર ખેલાડીઓ મેદાન પર ઉતરશે. ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોટંબીમાં ભારત–ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટનો રોમાંચ, આજે બંને ટીમોનું વડોદરામાં આગમન

Vadodara: કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 23, 25 અને 28 ઑક્ટોબરે ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાવાની છે. આ શ્રેણીને લઈને વડોદરાના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રેણીમાં ભાગ લેવા માટે બંને ટીમોનું આજે, 21 ઑક્ટોબરે, વડોદરામાં આગમન થશે.

ભારતીય મહિલા ટીમનાં નવનિયુક્ત કપ્તાન સ્મૃતિ મંધાના, ભૂતપૂર્વ કપ્તાન હરમનપ્રીત કૌર, ઉપકપ્તાન દીપ્તિ શર્મા અને વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા સહિતની સ્ટાર ખેલાડીઓ મેદાન પર ઉતરશે. સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ માટે યાસ્તિકા ભાટિયાને પોતાની ધરતી પર રમતી જોવાની તક વિશેષ આકર્ષણ બની રહેશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતીય મહિલા ટીમ બપોરે આશરે 12:30 વાગ્યે નીલાંબર સર્કલ પાસે વાસણા–ગોત્રી મેઇન રોડ પર આવેલી હયાત પ્લેસ વડોદરા હોટેલ ખાતે પહોંચશે. જ્યારે ઝિમ્બાબ્વેની મહિલા ટીમ બપોરે આશરે 3:00 વાગ્યે અલકાપુરીના આર.સી. દત્ત રોડ પર આવેલી વેલકમહોટલ બાય આઈટીસી હોટેલ્સ ખાતે પહોંચશે.

બીજી તરફ, બીસીએ દ્વારા ટિકિટ વિતરણ દરમિયાન એસોસિએશનના 900થી વધુ સભ્યોએ ત્રણેય મેચોની ટિકિટો મેળવી લીધી છે. આ પ્રતિસાદથી પણ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઈને ચાહકોમાં રહેલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનારી આ ત્રણેય મેચોમાં બંને ટીમો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળશે.