Baroda

વડોદરામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો : ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સામે સવાલો

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ગેરકાયદે બાંધકામો અને ફૂટપાથ પરના દબાણોની ફરિયાદો વધી રહી છે, છતાં ટાઉન પ્લાનિંગ વિભાગ કાર્યવાહી કરતું નથી. દાંડિયા બજારમાં શોરૂમ દ્વારા ફૂટપાથ પર દાદર અને બેંક દ્વારા રેલિંગ બનાવાયા છે. મ્યુનિસિપલ કમિશનરે તપાસની ખાતરી આપી છે. નાગરિકો નિયમિત સર્વે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, અન્યથા સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો : ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સામે સવાલો

Vadodara News : વડોદરા શહેરમાં ગેરકાયદે બાંધકામો અને જાહેર જગ્યાઓ પર દબાણની ફરિયાદો સતત વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં આવી ફરિયાદોનો ઢગલો થયો હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને પાર્કિંગની જગ્યા છોડ્યા વિના અથવા માત્ર દેખાડા પૂરતી જગ્યા છોડીને બાંધકામો કરવામાં આવતાં વાહનો પાર્કિંગના અભાવે રસ્તા પર ઊભાં રહે છે. સામાન્ય નાગરિકોને આ ગેરરીતિઓ સ્પષ્ટ દેખાય છે, તો પછી ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને કેમ દેખાતી નથી તેવા સવાલો ઊઠી રહ્યા છે.
બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ પર દબાણોનું પ્રમાણ વધી ગયું છે. ફૂટપાથ પર વેપારીઓ અને મિલકતધારકોએ કબજો જમાવી દેતાં રાહદારીઓને ચાલવા માટે જગ્યા મળતી નથી. ફૂટપાથ નાગરિકો માટે ખુલ્લા રાખવાની જવાબદારી જે તંત્રની છે તે જ તંત્ર દ્વારા પૂરતો સર્વે કે નિયમિત કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો છે. સુપ્રીમ કોર્ટના રાહદારીઓના અધિકાર અને ફૂટપાથ ખુલ્લા રાખવા અંગેના નિર્દેશો વચ્ચે શહેરમાં વાસ્તવિક સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે.
દરમિયાન દાંડિયા બજાર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ફૂટપાથ પર થયેલા બાંધકામનો મુદ્દો સામે આવ્યો છે. અહીં એક શોરૂમ દ્વારા ફૂટપાથ પર જ દાદર બનાવી દેવામાં આવ્યા છે, જ્યારે બાજુમાં આવેલી બેંક દ્વારા પણ ફૂટપાથ પર રેલિંગ લગાવી દેવામાં આવી છે. આ રીતે જાહેર ઉપયોગ માટેની જગ્યા પર ખાનગી મિલકતધારકો દ્વારા કબજો જમાવવામાં આવ્યો હોવાની ફરિયાદો છે. શહેરમાં ઠેરઠેર આવી સ્થિતિ હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાની નાગરિકોમાં ચર્ચા છે.
ટાઉન પ્લાનિંગ વિભાગને મલાઈદાર વિભાગ ગણવામાં આવે છે, ત્યારે આવા ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર અને સર્વેયર દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે અને ગેરરીતિ જણાય તો પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવે છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે પરવાનગી વિના થતાં દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે ફરિયાદ મળી હોવાથી સ્થળ તપાસ કરાવવામાં આવશે.
જોકે, માત્ર ફરિયાદ મળ્યા બાદ તપાસ કરવાને બદલે શહેરમાં નિયમિત સર્વે કરીને ગેરકાયદે બાંધકામો અને ફૂટપાથ પરનાં દબાણો દૂર કરવાની જરૂર છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારી નક્કી કરવાની અને બેદરકારી દાખવનારા અધિકારીઓ હાલ ફરજ પર હોય કે નિવૃત્ત થઈ ગયા હોય, તેમની ભૂમિકા તપાસી નિયમ મુજબ પગલાં ભરવાની લોકમાગ ઊઠી છે. અન્યથા જાહેર રસ્તા અને ફૂટપાથ પર ખાનગી કબજાનું પ્રમાણ વધતું રહેશે અને તેનો ભોગ સામાન્ય નાગરિકોએ બનવું પડશે.