Baroda

ભારતીય ટીમ ટોસ જીતે તો ૩૦૦ રન પાર કરવાનો લક્ષ્યાંક

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
ભારત-ઝિમ્બાબ્વે મહિલા ટીમો વચ્ચે આવતીકાલે શુક્રવારથી 3 વન-ડે શ્રેણી શરૂ થશે. ભારતીય ઉપસુકાની દીપ્તિ શર્માએ તૈયારીઓ અંગે જણાવ્યું કે, તેઓ પડકાર સ્વીકારી સ્મૃતિ મંધાનાને મદદ કરશે. ટીમ 300થી વધુ રનનો પ્રયાસ કરશે, પરંતુ અંતિમ નિર્ણય ટોસ પર રહેશે. ઝિમ્બાબ્વેને હળવાશથી ન લેવાની સલાહ આપતા કહ્યું કે, રેણુકાસિંહના સ્થાને જિન્તિમણિ કલિતાને તક અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય ટીમ ટોસ જીતે તો ૩૦૦ રન પાર કરવાનો લક્ષ્યાંક

ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે આવતીકાલે શુક્રવારથી શરુ થનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપસુકાની તરીકે જવાબદારી સંભાળનાર  દીપ્તિ શર્માએ ટીમની તૈયારીઓ અને રણનીતિ અંગે વાત કરી હતી.

એમણે કહ્યું કે નવી જવાબદારીને તેઓ પડકાર તરીકે લઈ રહ્યાં છે અને કેપ્ટન સ્મૃતિ મંધાનાને શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે. ટીમ પોતાની તાજેતરની સફળતાને આગળ વધારવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. એમનો હેતુ ટીમ માટે વધુમાં વધુ મેચ જીતવાનો રહેશે. પોતે ખેલાડી તરીકે રમે કે ઉપકપ્તાન તરીકેની જવાબદારી નિભાવે, ટીમના હિતમાં શ્રેષ્ઠ યોગદાન આપવાનો એમનો પ્રયાસ રહેશે, એમ જણાવ્યું છે.

એમણે પિચ બેટિંગ માટે અનુકૂળ હોવાનું જણાવી કહ્યું કે ભારત પ્રથમ બેટિંગ કરે તો ૩૦૦થી વધુ રનનો સ્કોર કરવાનો પ્રયાસ કરશે. જોકે, અંતિમ નિર્ણય ટોસ સમયે પિચ અને મેદાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. બેટિંગ અને બોલિંગ વચ્ચે સારું સંતુલન જળવાય તે ટીમ માટે મહત્ત્વનું રહેશે, તેમજ અહીંથી મહિલા ક્રિકેટ માટે વધુ સારું પ્રદર્શન કરવાની તક છે.

સાથે જ, એમણે ઝિમ્બાબ્વેની ટીમને હળવાશથી ન લેવાની સાવધાની દર્શાવતા કહ્યું કે હરીફ ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે અને ટી-૨૦માં તેમના પ્રદર્શન પરથી સારા બેટ્સમેનોની હાજરીનો અંદાજ આવે છે. ભારતીય ટીમની રણનીતિમાં હાલ કોઈ ફેરફાર કરવાની જરૃર જણાતી નથી. ખેલાડીઓનું પ્રદર્શન સારું છે અને તેને યથાવત્ રાખીને મેદાનમાં ઉતરીશું. કોઈ નવો પ્રયોગ કરાશે નહીં.

રેણુકાસિંહ ઠાકુરના સ્થાને જિન્તિમણિ કલિતાને તક

આ શ્રેણી પહેલાં ભારતીય ટીમમાં ફેરફાર કરાયો છે. ઝડપી બોલર રેણુકાસિંહ ઠાકુરના સ્થાને જિન્તિમણિ કલિતાનો ટીમમાં સમાવેશ કરાયો છે. રેણુકાસિંહ ઠાકુર ૫૦ ઓવરના ફોર્મેટ માટે જરૃરી બોલિંગ ક્ષમતા કેળવી રહ્યાં છે. મહિલા પસંદગી સમિતિએ તેમના સ્થાને જિન્તિમણિ કલિતાની પસંદગી કરી છે. જિન્તિમણિ તાજેતરમાં રાયપુરમાં રમાયેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારતીય ટીમ વતી રમ્યાં હતાં.

બીસીએ સ્ટેડિયમમાં બંને ટીમોએ પરસેવો પાડયો

ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચેની આવતીકાલે શુક્રવારની ટક્કર પહેલાં આજે બીસીએ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ સઘન નેટ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પોતાની રણનીતિને આખરી ઓપ આપ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ પણ શ્રેણીમાં મજબૂત પુનરાગમન કરવા માટે મેદાન પર સખત મહેનત કરતી જોવા મળી હતી.