ઈંધણના ભાવ વધારાએ મધ્યમ વર્ગની વાહન ચલાવવાની ગણતરી બગાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇંધણના ભાવમાં સતત વધારાની અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે અને હવે વાહન ખરીદતી વખતે પણ લોકો બજેટને ધ્યાનમાં લેવા લાગ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇંધણના ભાવમાં થઈ રહેલા વધારાની અસર હવે વાહનોની ખરીદી પર પણ જોવા મળી રહી છે. વડોદરા સહિત ગુજરાતમાં વાહનો ખરીદવાના વલણમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. સામાન્ય પેટ્રોલ વાહનોની જગ્યાએ હવે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલથી ચાલતાં વાહનોની નોંધણીમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પ્યોર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં પણ લોકોનો રસ વધ્યો છે.
છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૃા.૮નો વધારો થયો છે, જ્યારે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૃા.૮થી ૧૦નો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી અનિશ્વિતતા વચ્ચે ઇંધણના ભાવ વધવાની ચિંતાએ વાહનચાલકોને વિકલ્પો તરફ વળવા પ્રેર્યા છે.
ગુજરાતમાં ઈ-૨૦ પેટ્રોલથી ચાલતા વાહનોની સંખ્યા ૧૩.૨૩ લાખે પહોંચી છે, જ્યારે પ્યોર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ૨.૦૨ લાખ થઈ છે. વડોદરામાં પણ ઈ-૨૦ પેટ્રોલના ૧.૦૩ લાખ અને પ્યોર ઇલેક્ટ્રિકના ૨૧ હજાર વાહનો નોંધાયા છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાએ મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. એક તરફ પેટ્રોલ કે સીએનજીથી ચાલતું નવું વાહન ખરીદે તો ભવિષ્યમાં ઇંધણના ભાવમાં વધુ વધારો થવાની ચિંતા સતાવે છે, તો બીજી તરફ ઇલેક્ટ્રિક વાહન, બેટરીની ઊંચી કિંમત, ચાર્જિંગ સ્ટેશનની મર્યાદિત સુવિધાના મુદ્દે લોકોને વિચારતા કરી રહ્યા છે. લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગની સુવિધા મળશે કે નહીં તે પણ પ્રશ્ન રહે છે.
આમ, પેટ્રોલ-સીએનજી વાહનોમાં વધતો ઇંધણ ખર્ચ અને ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરી તથા ચાર્જિંગની સમસ્યાને કારણે મધ્યમ વર્ગ માટે નવું વાહન ખરીદવું એ એક મુશ્કેલ નિર્ણય બની ગયો છે.
રાજ્યમાં વાહનોની નોંધણીમાં એક વર્ષમાં મોટો ફેરફાર
વાહનોનો પ્રકાર - વર્ષ ૨૦૨૫ - વર્ષ ૨૦૨૬
સીએનજી - ૮૩,૭૮૧ - ૯૦,૯૮૭
ડીઝલ - ૨,૩૧,૫૩૮ - ૨,૫૮,૮૩૬
પેટ્રોલ - ૧૧,૦૮,૬૬૩ - ૪,૪૮,૧૪૬
પેટ્રોલ (ઈ-૨૦) - ૨,૬૨,૬૨૯ - ૯,૫૦,૪૯૦
પ્યોર ઇલેક્ટ્રિક - ૬૦,૮૪૩ - ૧,૦૯,૮૨૨




