સુરસાગરમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : દુર્ગંધથી સહેલાણીઓએ મુલાકાત ટાળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Sursagar Lake : વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ઉનાળાની ઋતુથી રોજેરોજ મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી છે અને તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા થતાં આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ થેલીઓ ભરીને મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવે છે. દુર્ગંધના કારણે સહેલાણીઓ પણ તળાવની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે.
એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ તળાવમાં માછલીઓના સતત મોત અને અસહ્ય દુર્ગંધને કારણે નાગરિકો તેની સુવિધાઓનો પૂરતો લાભ લઈ શકતા નથી. તળાવની સુંદરતા પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તેની જાળવણી અને પાણીની ગુણવત્તા જાળવવામાં તંત્ર કેટલું સફળ રહ્યું છે તેવા સવાલો ઊભા થયા છે.
દરમિયાન, કોંગ્રેસના વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ સુરસાગર તળાવ ખાતે પહોંચ્યા હતા અને માછલીઓના સતત મોતના મુદ્દે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માછલીઓનાં મોતને કુદરતી ઘટના ગણાવવામાં આવે છે અને 365 દિવસ સફાઈની કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો કરાય છે. જોકે, હકીકતમાં તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા માટેની મશીનરી બંધ હાલતમાં છે. મશીનરી ચાલુ હોય ત્યારે પણ તે માત્ર દેખાડા પૂરતી જ ચલાવવામાં આવતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તીર્થ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીના કારણે માછલીઓ મોતને ભેટી રહી છે. લાંબા સમયથી આ સમસ્યા હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના હોદ્દેદારો દ્વારા કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવ્યા નથી. રોજેરોજ મૃત માછલીઓનો નિકાલ કરવોએ સમસ્યાનો ઉકેલ નથી. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને માછલીઓનાં મોત અટકે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે બ્યુટીફિકેશન કરી દેવાથી તંત્રની જવાબદારી પૂરી થઈ જતી નથી. નાગરિકોને આ સુવિધાનો ખરેખર લાભ મળી રહ્યો છે કે નહીં, તેની તકેદારી રાખવી પણ તંત્રની ફરજ છે. સુરસાગર તળાવની આસપાસ ફેલાતી દુર્ગંધથી નાગરિકોને છુટકારો અપાવવા અને માછલીઓનાં મોત અટકાવવા માટે તાત્કાલિક પગલાં લઈ કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.




