Baroda

કોર્પોરેશનના અધિકારીઓને 10 તારીખ સુધીમાં પગાર, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દિવાળીએ પણ વેતનથી વંચિત!

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓને 5થી 10 તારીખે પગાર મળે છે, પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 20થી 25 તારીખ સુધી રાહ જોવી પડે છે. દિવાળી સમયે પણ 22 ઓક્ટોબર સુધી પગાર ન મળતાં કર્મચારીઓની આર્થિક મુશ્કેલી વધી છે. સમયસર વેતન ન મળવાથી ઘરખર્ચ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં તેમને હાલાકી ભોગવવી પડે છે. આ મામલે તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેશનના અધિકારીઓને 10 તારીખ સુધીમાં પગાર, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દિવાળીએ પણ વેતનથી વંચિત!

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓના પગાર સમયસર ચૂકવાઈ જાય છે, પરંતુ કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના વેતન માટે જાણે કોઈ સમયમર્યાદા જ ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. એક તરફ અધિકારીઓને દર મહિને 5થી 10 તારીખ વચ્ચે પગાર મળી જાય છે, તો બીજી તરફ સુરક્ષા સહિતની વિવિધ કામગીરીમાં જોડાયેલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પોતાના હકના વેતન માટે મહિનાની 20થી 25 તારીખ સુધી રાહ જોવી પડે છે. કેટલીક વખત તો બે-બે મહિના સુધી વેતન નહીં મળતું હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. દિવાળીના તહેવાર સમયે પણ 22 ઓક્ટોબર સુધી કર્મચારીઓના ખાતામાં વેતન જમા ન થતાં તેમની આર્થિક મુશ્કેલી વધી છે.

રોજ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ કર્મચારીઓ માટે સમયસર વેતન મળવું અત્યંત જરૂરી છે. ઘરખર્ચ, બાળકોની ફી, દૂધ-કરિયાણું અને અન્ય રોજિંદી જરૂરિયાતો માટે તેમને નિયમિત આવક પર આધાર રાખવો પડે છે. તેમ છતાં દર મહિને પગાર મોડો મળતો હોવાની ફરિયાદો વચ્ચે કર્મચારીઓની મુશ્કેલીનો કાયમી ઉકેલ આવતો નથી. દિવાળી જેવા તહેવારમાં પણ પોતાના જ પૈસા માટે રાહ જોવી પડે તે સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે.

કર્મચારીઓની ફરિયાદ મુજબ, કોન્ટ્રાક્ટ આપ્યા બાદ કર્મચારીઓને સમયસર વેતન મળે તેની જવાબદારી નક્કી કરવામાં તંત્ર પૂરતું ધ્યાન આપતું નથી. કોન્ટ્રાક્ટની શરતો અનુસાર મળવા પાત્ર કેટલાક લાભો પણ કર્મચારીઓને મળતા ન હોવાની ફરિયાદો અગાઉ અનેકવાર કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યા યથાવત્ રહેતાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાની ચર્ચા પણ થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટની કામગીરી સોંપી દેવાનો અર્થ કર્મચારીઓ પ્રત્યેની જવાબદારી પૂરી થઈ જવી એવો થતો નથી. કોન્ટ્રાક્ટની શરતોનું પાલન થાય, કર્મચારીઓને સમયસર વેતન મળે અને ફરિયાદોનો નિકાલ થાય તેની દેખરેખ રાખવી પણ જરૂરી છે.