કોટક બેન્કમાંથી કન્ઝ્યુમર લોન લેવાનું કૌભાંડઃવડોદરાના ભારત ફર્નિચરના સંચાલક અને બેન્ક કર્મી સામે 22લાખની ઠગાઇનો ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોટક બેન્ક દ્વારા ફર્નિચરના શોરૃમના સંચાલક સાથે કરાતા ડીલર એગ્રીમેન્ટનો દૂરુપયોગ કરી ગ્રાહકોને ફર્નિચર અપાવવાના બોગસ બિલો બનાવીને બેન્ક સાથે ઠગાઇ કરવાનું વધુ એક કૌભાંડ બહાર આવતાં પંડયા બ્રિજના ભારત ફર્નિચરના સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.
કોટક મહિન્દ્ર બેન્કના લીગલ ઓફિસર મિહિર પેંડસેએ પોલીસને કહ્યું છે કે,અમારી બેન્ક દ્વારા શાસ્ત્રીબ્રિજ નીચે પંડયા હોટલ પાસે આવેેલા ભારત ફર્નિચર નામના શો રૃમ સાથે ગ્રાહકોને લોન આપવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો.આ શોરૃમનો વહીવટ અબ્બાસ હુસેન બંદૂકવાલા કરી રહ્યા છે.જ્યારે અમારી બેન્ક દ્વારા સેલ્સ ઓફિસર તરીકે અંકુર વાળંદને મૂકવામાં આવ્યા હતા.
માર્ચ-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ દરમિયાન ભારત ફર્નિચર દ્વારા ગ્રાહકોને અપાયેલી લોનના હપ્તા બાઉન્સ થતાં બેન્ક દ્વારા તપાસ કરવામાં આવી હતી.જે દરમિયાન ગ્રાહકોને લોન પર ફર્નિચર અપાવવાના નામે પ્રોસિજર કરાવતા ફોટા પાડીને બોગસ બિલો રજૂ કરી લોનની રકમ મેળવી લેવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.આ પ્રકારના કુલ ૪૩ ગ્રાહકોના નામે રૃ.૨૨.૧૯ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
ઉપરોક્ત કિસ્સામાં ફતેગંજ પોલીસે ફર્નિચરના વેપારી અબ્બાસ હુસેન બંદૂકવાલા(મિસ્ત્રી એન્ડ વાડિયા રેસિડેન્સી, ફતેગંજ પત્રકાર કોલોની પાસે),બેન્કના કર્મચારી અંકુર પ્રકાશ વાળંદ (શામશીખર રેસિડેન્સી,દહેગામ રોડ,નરોડા- અમદાવાદ મૂળ સરડીયા,વીરપુર,મહિસાગર) અને લોન માટે ગ્રાહકો લાવતી ફરજાના ઇલિયાસ ચૌહાણ(મહેબૂબપુરા,નવાપુરા) સામે ગુનો નોંધ્યો છે.




