શહેરીજનોએ એક સપ્તાહમાં જ દિવાળી માટે 300 કરોડની ખરીદી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં રવિવારે દિવાળીના પર્વની ઉજવણીની સાથે સાથે બજારોમાં ધૂમ ખરીદી પણ જોવા મળી હતી.છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી માટે જોવા મળી રહેલી લોકોની ભીડ રવિવારે બમણી થઈ ગઈ હતી.એક અંદાજ પ્રમાણે એક સપ્તાહમાં જ શહેરીજનોએ ૩૦૦ કરોડ રુપિયાની ખરીદી કરી છે.જેમાં સૌથી મોટો ફાળો સોના-ચાંદીનો છે.
વડોદરાના પ્રમુખ વેપારી સંગઠન વેપાર વિકાસ એસોસિએશનના મતે મંદી અને મોંઘવારી મહત્વના પરિબળો હોવા છતા દિવાળીની ઉજવણીના ઉત્સાહમાં લોકોએ ગમે તેમ કરીને પણ ખર્ચો કર્યો છે અને તેના કારણે વેપારીઓ માટે દિવાળી પહેલાનું એક સપ્તાહ ફાયદા કારક રહ્યું છે.
દેશના વેપારી સંગઠન કેટ( કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)ના હોદ્દેદાર અને વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખનું કહેવું છે કે, સૌથી વધારે ખરીદી સોના ચાંદીની થઈ છે.અન્ય વસ્તુઓ ખરીદનારા લોકોની સરખામણીએ ગ્રાહકોનો આંકડો ઓછો હોય પણ ૧૫૦ કરોડ રુપિયાના સોના ચાંદીનું વેચાણ થયું છે.એ પછી કપડા અને મિઠાઈના વેપારમાં લગભગ ૫૦ કરોડ રુપિયાનું ટર્નઓવર નોંધાયું છે.
હોમ એપ્લાયન્સિસના ભાવમાં વધારો હોવા છતા લોકોએ મોટા પાયે તેની પણ ખરીદી કરી છે.આ સિવાય ફટાકડાનું પણ ધૂમ વેચાણ થયું છે.બ્યૂટી પાર્લર બિઝનેસને પણ દિવાળીના કારણે ઘણો ફાયદો થયો છે.બ્યૂટી ટ્રીટમેન્ટ પાછળ શહેરીજનોએ આ એક સપ્તાહમાં કરોડો રુપિયાનો ખર્ચ કર્યો છે.લાઈટિંગના વ્યવસાયમાં પણ ઘરાકીના કારણે તેજી જોવા મળી છે.
પથારાવાળાઓ પાસેથી લોકોએ કરેલી કરોડોની ખરીદી અલગ
વેપાર વિકાસ એસોસિએશનનું કહેવું છે કે, આ આંકડો માત્ર દુકાનોમાંથી થયેલી ખરીદીનો છે.લારીઓ અને પથારાવાળાઓ પાસેથી લોકોએ કરેલી ખરીદી પણ કરોડો રુપિયામાં થવા જાય છે.જોકે આ આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.એકલા ચાર દરવાજા વિસ્તારમાં જ હજારો પથારાવાળાઓ દિવાળીની ઘરાકીનો લાભ લેવા માટે ગોઠવાયેલા જોવા મળ્યા છે.




