મ્યુનિ.કોર્પોરેશનના વિકાસ કામોમાં સંકલનના અભાવે નાગરિકો હેરાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં વિકાસનાં કામો હાથ ધરાય ત્યારે નાગરિકોને સારી સુવિધાઓ મળવાની આશા રહે છે, પરંતુ કામ શરૃ થયા બાદ સ્થાનિક વેપારીઓ અને રહીશોની મુશ્કેલીઓ વધી જાય છે. રસ્તા ખોદી નાખવામાં આવે છે, દુકાનો સુધી પહોંચવાના રસ્તા બંધ થઈ જાય છે, ધૂળ અને માટીના કારણે વેપાર પર અસર પડે છે, જ્યારે રહીશોને પોતાના ઘર સુધી પહોંચવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વિકાસનાં કામો જરૃરી છે, પરંતુ તેની સાથે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાની જવાબદારી પણ તંત્રની છે. અનેક સ્થળોએ કામ શરૃ કરતાં પહેલાં વેપારીઓ અને રહીશો સાથે પૂરતી ચર્ચા થતી નથી કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાતી નથી તેવી નાગરિકોની ફરિયાદો છે.રસ્તા, પાણી, ગટર અને અન્ય માળખાકીય સુવિધાઓનાં કામો દરમિયાન એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી ખોદકામ ચાલુ રહે છે. ક્યાંક દુકાનો સામે બાંધકામ સામગ્રીના ઢગલા ખડકાય છે, તો ક્યાંક ગ્રાહકો વાહન લઈને દુકાન સુધી પહોંચી શકતા નથી. પરિણામે વેપારીઓને રોજિંદા ધંધામાં નુકસાન સહન કરવું પડે છે.
શહેરના ખોડિયારનગર, જ્યુબિલી બાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ખોડિયારનગર, સરદાર એસ્ટેટ, સમા તળાવ અને વાસણા સહિતના વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. લાંબા સમયથી ચાલતી કામગીરીને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં વિકાસકામો વહેલી તકે પૂર્ણ કરવાની નાગરિકોની સતત ફરિયાદો છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ દાયકાથી વોર્ડ સમિતિઓની રચના કરાઈ નથી. કોર્પોરેશન એક્ટમાં વોર્ડ સમિતિઓની રચના અંગે સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં તેનો અમલ થયો નથી. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા કોર્પોેરેશનમાં વોર્ડ સમિતિઓની રચના માટે કાયદાકીય જોગવાઈ છે. આ સમિતિઓના માધ્યમથી સ્થાનિક નાગરિકોને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવાની તક મળી શકે છે. વડોદરા પોલિટિકલ એક્શન કમિટી દ્વારા આ સમિતિઓની રચના કરવા માગ કરાઈ છે.




