Baroda

પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું નોવોસીસ ગ્રીન ટેકનોલોજી કંપનીનું કેમિકલ છેક ડભોઇ પાસે ઠાલવ્યું

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ડભોઈ પાસે વેગા અને પલાસવાડા ગામોમાં ઝેરી કેમિકલના થેલા ફેંકી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે 3 કન્ટેનરના ચાલકો અને પાદરાની નોવોસિસ ગ્રીન ટેકનોલોજી કંપનીના સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે. આ કેમિકલ એક મહિના પહેલા ખુલ્લામાં ફેંકાયું હતું, જેનાથી દુર્ગંધ ફેલાઈ હતી. FSL રિપોર્ટ મુજબ, આ કેમિકલ "હેઝાર્ડસ વેસ્ટ" છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું નોવોસીસ ગ્રીન ટેકનોલોજી કંપનીનું કેમિકલ છેક ડભોઇ પાસે ઠાલવ્યું

વડોદરા જિલ્લાના ડભોઈમાં વેગા તેમજ પલાસવાડા ગામ પાસે ઝેરી કેમિકલના થેલા ફેંકી પર્યાવરણને નુકસાન તેમજ લોકોના સ્વાસ્થ્યને અસર થાય તેવા કૃત્યનો પર્દાફાશ થયો છે. આ ઝેરી કેમિકલનો ખુલ્લામાં નિકાલ કરનાર ત્રણ કન્ટેનરોના ચાલકો તેમજ જ્યાંથી કેમિકલ લઇને આવેલા તે પાદરા તાલુકાની નોવોસિસ ગ્રીન ટેકનોલોજી કંપનીના સંચાલકની સંડોવણી બહાર આવતા તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેગા બ્રિજથી ટીંબી ફાટક સુધીમાં તેમજ પલાસવાડા ગામની સીમમાં એક મહિના પહેલા સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું કાળા રંગનું ઝેરી કેમિકલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને રોડની આજુબાજુ ફેંકેલું મળ્યું હતું. ખૂબ જ દુર્ગધ આવતા રાહદારીઓ, વાહનચાલકો તેમજ આજુબાજુ ગામના લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. આ અંગે ડભોઇ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઝેરી કેમિકલ ઠાલવી જનાર મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરના ચાલક ગયાપ્રસાદ વિશ્વાસ કેવટ (રહે.બજરંગગઢ, જિલ્લો સિદ્દી, મધ્યપ્રદેશ)ની પૂછપરછ કરતા પોતે જ કેમિકલ નાંખ્યું હોવાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે કન્ટેનરના માલિક નામદેવ શંકર ગોખલેએ તા.૩ સપ્ટેમ્બરના રોજ કહ્યા મુજબ હું મુંબઇ રાયગઢ વિસ્તારમાંથી નવાસોવા પોર્ટથી કન્ટેનર લઇ પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં આવેલી નોવોસીસ ગ્રીન ટેકનોલોજી કંપની ખાતે કેશ્યુ નટ શેલ લિક્વિડ (સીએનએસએલ) ખાલી કર્યું હતું પરંતુ વધેલ કાળા રંગની લિક્વિડની બેગ કંપનીવાળાઓએ ત્યાં ઉતારી ન હતી જેથી તેને કન્ટેનરમાં લઇને ડભોઇ રેતી ભરવા જતી વખતે ફેંકી દીધી હતી.
ડભોઇમાં સીસીટીવી કેમેરા જોતા અન્ય બે કન્ટેનરો પણ કેમિકલ ઠાલવતા જણાયા હતાં. આ બંને કન્ટેનરોના ચાલકના નામ સલમાન તેમજ ઉરમાન જાણવા મળ્યું હતું. ડભોઇ પોલીસે એકલબારા કંપનીમાં જઇને તપાસ કરતાં કંપનીએ સ્વીકાર્યું હતું કે ઝેરી કેમિકલનો સ્લજ કંપનીમાં જ ઉતારવાની જવાબદારી છે અને તેનો કાયદાકીય પ્રક્રિયા મુજબ નિકાલ કરવાનો હોય છે. દરમિયાન એફએસએલ દ્વારા પણ રિપોર્ટ આવ્યો હતો કે રોડની આજુબાજુ જે કેમિકલ મળ્યું છે તે કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે ત્રણે કન્ટેરનરોના ચાલક તેમજ કંપનીના જવાબદાર માલિક-સંચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.