Baroda

ઝિમ્બાબ્વે સામે વન-ડે શ્રેણીમાં પણ વ્હાઇટવોશની તક, ભારતની નજર 3-0ના વિજય પર

By GS Team
26 Oct 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 3 મેચની વન-ડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી છે. પ્રથમ મેચ 9 વિકેટે જીત્યા બાદ, બીજી મેચમાં હરમનપ્રીત કૌર (126) અને દીપ્તિ શર્મા (106)ની સદીઓની મદદથી ભારતે 121 રનથી વિજય મેળવ્યો. હવે 28 ઓક્ટોબરે અંતિમ મેચ જીતીને ભારત 3-0થી શ્રેણી ક્લીન સ્વીપ કરવા સજ્જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝિમ્બાબ્વે સામે વન-ડે શ્રેણીમાં પણ વ્હાઇટવોશની તક, ભારતની નજર 3-0ના વિજય પર

India vs Zimbabwe Women News : ઝિમ્બાબ્વે સામે આ મહિને રમાયેલી ટી-20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે વન-ડે શ્રેણીમાં પણ વ્હાઇટવોશ કરવાની તક ધરાવે છે. વડોદરાના કોટંબી ગામ સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ભારતે પ્રથમ બંને મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે 28 ઓક્ટોબરે રમાનારી ત્રીજી અને અંતિમ મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ઝિમ્બાબ્વેની ટીમ અંતિમ મેચ જીતીને વન-ડે શ્રેણીમાં ભારતનો વ્હાઇટવોશ કરવાનો ઇરાદો નિષ્ફળ બનાવવા પ્રયાસ કરશે.
શ્રેણીની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમાઈ હતી. આ મુકાબલામાં ઝિમ્બાબ્વેની ટીમે આપેલા 197 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 27 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરીને નવ વિકેટે શાનદાર જીત મેળવી હતી. ભારત તરફથી પ્રતીકા રાવલે સદી ફટકારીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો, જ્યારે શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરતાં 64 રન બનાવ્યા હતા. બોલિંગમાં શ્રી ચરણીએ ચાર વિકેટ અને ક્રાંતિ ગૌડે ત્રણ વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેની ટીમને દબાણમાં રાખી હતી.
ત્યારબાદ 25 ઓક્ટોબરે રમાયેલી બીજી વન-ડેમાં ભારતીય બેટરોએ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 328 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. હરમનપ્રીત કૌરે 126 રનની સદી અને દીપ્તિ શર્માએ 106 રનની સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 329 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 207 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ ચાર વિકેટ અને દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. પરિણામે ભારતે બીજી મેચ 121 રનથી જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી.
બીજી મેચમાં સદી ફટકારનાર હરમનપ્રીત કૌરે બેટિંગ દરમિયાનની રણનીતિ અંગે જણાવ્યું હતું કે શરૂઆતમાં બે વિકેટ પડી જાય ત્યારે બેટિંગ કરતી ટીમ પર દબાણ આવવું સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં મેદાન પર હરીફ ટીમની બોલિંગની લાઇન અને લેન્થ અંગે પ્રતીકા રાવલ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ ઇનિંગ રમવાનો પ્લાન બનાવ્યો હતો. બોલ પોતાની અનુકૂળતામાં આવે ત્યારે તેને બાઉન્ડરી તરફ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો.
હરમનપ્રીતે દીપ્તિ શર્માની સદી અંગે હળવી ટકોર કરતાં કહ્યું હતું કે દીપ્તિએ લાંબા સમય બાદ સદી ફટકારી છે, પરંતુ આટલો લાંબો વિરામ ન લેવો જોઈએ. તેણે આશા વ્યક્ત કરી હતી કે દીપ્તિનું આવું પ્રદર્શન સતત ચાલુ રહેશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન દીપ્તિ શર્માએ જણાવ્યું હતું કે બેટિંગ દરમિયાન બોલ તેની રડારમાં આવી રહ્યા હતા અને તેણે ભાગીદારીને લાંબી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેની સદીથી ભારતને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી.
હવે શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનું લક્ષ્ય જીતની હેટ્રિક સાથે ઝિમ્બાબ્વેનો 3-0થી સફાયો કરવાનું રહેશે. પ્રથમ બંને મેચમાં બેટિંગ અને બોલિંગમાં પ્રભાવશાળી દેખાવ કરનારી ભારતીય ટીમ સામે ઝિમ્બાબ્વેમાટે પડકાર મોટો રહેશે. જોકે, અંતિમ મેચમાં જીત મેળવીને પ્રવાસનો અંત વિજય સાથે લાવવાનો પ્રયાસ ઝિમ્બાબ્વેની ટીમ કરશે.