શેરબજારમાં રોકાણના બહાને ઠગાઈમાં આરોપીના જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપીને રૃા.૧.૫૧ કરોડની સાયબર ઠગાઈના કેસમાં આરોપી કરણ રામભાઈ ભાસાણી(રહે.પૂજાપાર્ક સોસાયટી,ન્યુ વીઆઈપી રોડ)ના રેગ્યુલર જામીન અત્રેની સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે.
ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરાવી નફો અપાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ માર્ક સિક્યોરિટીઝ લિમિટેડ નામની બોગસ કંપનીને અસલી દર્શાવી ફરિયાદી પાસેથી કુલ રૃા.૧.૫૭ કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી રૃા.૫.૨૪ લાખ પરત મળ્યા હતા, જ્યારે બાકીના રૃા.૧.૫૧ કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી નથી.
સહઆરોપી સુબોધ શર્માએ ૩૫૯ સીમકાર્ડ સક્રિય કરાવ્યાં હતા. આ સીમકાર્ડ ગરીબ અને શ્રમિક લોકોના નામે લેવામાં આવ્યાં હતાં. આરોપી કરણ ભાસાણી અને સહઆરોપી આર્યનકુમાર પંચાલની ભૂમિકા આવા સીમકાર્ડ મેળવવા માટે વ્યક્તિઓને લાવવાની હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બદલામાં આરોપીઓને ક્રિપ્ટોકરન્સી સ્વરૃપે નાણાં મળતાં હોવાનું તપાસમાં જણાવાયું છે.
આ ૩૫૯ સીમકાર્ડનો ઉપયોગ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ૮૭ સાયબર ગુનાઓમાં કરવામાં આવ્યો હતો અને તેમાં કુલ રૃા.૩૩,૦૪,૮૩,૧૭૭ની સાયબર ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે.
સરકારી વકીલની દલીલો હતી કે આ પ્રકારનો ગુનો સામાન્ય ગુનાઓથી અલગ અને ગંભીર પ્રકારનો હોવાથી તેની સામે કડક કાર્યવાહી થવી જરૃરી છે. આથી, અરજદારને જામીન આપવાની તરફેણમાં અદાલતે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એમ સરકારી વકીલે કહ્યું છે.
કોર્ટે આર્થિક ગુનાઓની ગંભીરતા અને સાયબર ઠગાઈથી સામાન્ય નાગરિકોની આર્થિક સુરક્ષાને થતું નુકસાન ધ્યાનમાં લીધું હતું. આરોપી ટેકનોલોજીની જાણકારી ધરાવતો હોવાથી ડિજિટલ પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને પણ નકારી શકાય નહીં તેમ કોર્ટે નોંધ્યું હતું. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરાઈ છે.




