વડોદરામાં ટ્રાફિક નિયમના નામે ઉઘરાણીના આક્ષેપ : પાવતી વિના રૂ.300 લઈને વાહનો છોડ્યાનો વીડિયો વાયરલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Traffic Police : વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે થતી કાર્યવાહી ફરી વિવાદમાં આવી છે. ટ્રાફિક પોલીસ સાથે ટોઇંગ ક્રેનમાં ફરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા દંડની સત્તાવાર પાવતી આપ્યા વિના રોકડ નાણા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો વચ્ચે ચકલી સર્કલ બ્રિજ નીચેનો એક વીડિયો વાયરલ થયો છે. પાર્ક કરેલાં વાહનોને લોક કર્યા બાદ વાહનચાલકો પાસેથી બારોબાર નાણા લઈને લોક ખોલી આપવામાં આવતાં હોવાના આક્ષેપથી ટ્રાફિક વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વાહનચાલકોના આક્ષેપ પ્રમાણે, ચકલી સર્કલ બ્રિજ નીચે પાર્ક કરેલાં વાહનોને લોક કર્યા બાદ વાહનમાલિક પરત આવે ત્યારે ટોઇંગ ક્રેન સાથેના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ રૂ.200થી રૂ.300 જેટલી રોકડ રકમ લે છે અને સત્તાવાર પાવતી આપ્યા વિના વાહનનું લોક ખોલી આપે છે. આ રીતે નાણાંની ઉઘરાણી થતી હોવાનો વીડિયો સામે આવતાં મામલો ચર્ચામાં આવ્યો છે.
શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે. નિયમભંગ બદલ દંડ વસૂલવામાં આવે તો તેની સત્તાવાર પાવતી આપવી અને નાણાંની વસૂલાત પારદર્શક રીતે કરવી જરૂરી છે. જો પાવતી વિના રોકડ નાણા લેવામાં આવતા હોય તો તે ગંભીર બાબત છે. ટ્રાફિકના નિયમોના અમલના નામે આવી ગેરરીતિ થતી હોવાના આક્ષેપોથી નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલાં સંગમ ચાર રસ્તા પાસે પણ આ પ્રકારની કાર્યવાહી દરમિયાન વાહનચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વાહનચાલકોની માગ છે કે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ વાયરલ વીડિયોની તપાસ કરે, સ્થળ પરની કાર્યવાહી અને નાણાંની વસૂલાતની ચકાસણી કરે તથા આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે.




