હવાની ગુણવત્તા ફરી ખરાબ થઈ શહેરનો એક્યુઆઈ ૨૧૨ પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં હવાની ગુણવત્તાને લઈને ફરી એક વખત ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. આજે રવિવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક્યુઆઈ ૨૧૨ નોંધાયો છે. એક્યુઆઈ ૨૦૧થી ૩૦૦ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં ગણાય છે.
કારેલીબાગના સંગમ ચાર રસ્તા પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા સંચાલિત એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનના બુલેટિનમાં આ આંકડો સામે આવ્યો છે. કારેલીબાગમાં મોનિટરિંગ સ્ટેશનની આસપાસ કોઈ મોટા ઔદ્યોગિક એકમો આવેલા નથી. આ વિસ્તારની સરખામણીએ શહેરના અન્ય વિસ્તારોમાં વાહનોની અવરજવર વધુ રહે છે, જ્યારે ઔદ્યોગિક વસાહતો પણ આવેલી છે. આવી સ્થિતિમાં કારેલીબાગમાં જ એક્યુઆઈ ૨૦૯ નોંધાયો હોય તો વાહનોની સતત અવરજવર અને ઔદ્યોગિક પ્રવૃત્તિ ધરાવતા વિસ્તારોમાં હવાની ગુણવત્તાની સ્થિતિ કેવી હશે તેવો સવાલ ઊભો થયો છે.
ખરાબ હવાની સીધી અસર નાગરિકોના આરોગ્ય પર પડે છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ, હૃદયરોગ અને અન્ય લાંબા ગાળાની બીમારીઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલેથી જ શ્વસન કે હૃદયની બીમારી ધરાવતા લોકો માટે આવી હવા વધુ જોખમી બની શકે છે.
હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ)ની ગણતરી હવામાં રહેલા મુખ્ય પ્રદૂષકોની સાંદ્રતાના આધારે કરવામાં આવે છે. તેમાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦ (પાર્ટિક્યુલેટ મેટર એટલે કે સૂક્ષ્મ ધૂળકણો), ઓઝોન (ઓ-૩), કાર્બન મોનોક્સાઇડ (સીઓ), સલ્ફર ડાયોક્સાઇડ (એસઓ-૨) અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ (એનઓ-૨) જેવા પ્રદૂષકોનો સમાવેશ થાય છે. આ પ્રદૂષકોની માત્રાને નિર્ધારિત માપદંડ મુજબ આંકીને એક્યુઆઈ નક્કી કરવામાં આવે છે, જેના આધારે હવાની ગુણવત્તા અને તેનાથી થતા આરોગ્યના જોખમનો અંદાજ મળે છે.




