Baroda

એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, વડોદરાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક વર્ષમાં 200 જેટલા કાયમી શિક્ષકો નિવૃત્ત

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછત વર્તાઈ રહી છે. મે અને ઓક્ટોબરમાં 230 શિક્ષકો, કર્મચારીઓ અને આચાર્યો નિવૃત્ત થયા છે. 2025માં છેલ્લી કાયમી ભરતી થઈ હતી, જ્યારે હાલ 250 પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. છતાં 100 જેટલી જગ્યાઓ ખાલી છે. કાયમી ભરતીમાં 6 મહિના લાગશે, ત્યાં સુધી જ્ઞાન સહાયકોનો ત્રીજો રાઉન્ડ યોજાશે. 1 નવેમ્બરે નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, વડોદરાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક વર્ષમાં 200 જેટલા કાયમી શિક્ષકો નિવૃત્ત

વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. એક તરફ વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અને સરકારની ઉપેક્ષા સામે ઝઝૂમતી ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓના કારણે શૈક્ષણિક કાર્યમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કારણકે દર વર્ષે જેટલા શિક્ષકો નિવૃત્ત થાય છે તેટલા શિક્ષકોની ભરતી થતી નથી અને તેના કારણે ખાલી જગ્યાઓ વધતી જાય છે.મળતી જાણકારી પ્રમાણે વડોદરાની ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી મે અને ઓકટોબર એમ બે તબક્કામાં ૨૩૦ શિક્ષકો, કર્મચારીઓ અને આચાર્યો નિવૃત્ત થયા છે અને તેમાં ૨૦૦ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, પાંચ આચાર્યો અને બાકીના બિન શૈક્ષણિક કર્મચારીઓ છે.તેની સામે સ્કૂલોમાં છેલ્લે ૨૦૨૫માં કાયમી ભરતી થઈ હતી.જેમાં શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી હતી.જ્યારે વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ખાલી જગ્યાઓ પર ૨૫૦ જેટલા પ્રવાસી શિક્ષકો એટલે કે જ્ઞાાન સહાયકોની કોન્ટ્રાકટ આધારિત નિમણૂક કરવામાં આવી છે.એ પછી પણ ૧૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહી છે. તેમાં હવે ઓકટોબરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોની સંખ્યાનો ઉમેરો થયો છે.જેના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂકનો ત્રીજો રાઉન્ડ પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે તેમ ડીઈઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

નિવૃત્ત શિક્ષકો અને આચાર્યોનું સન્માન કરાશે
નિવૃત્ત થતા શિક્ષકો માટે રાહતની વાત એ છે કે, તત્કાલિન ડીઈઓ રાકેશ વ્યાસના કાર્યકાળમાં નિવૃત્તિના દિવસે જ શિક્ષકોને તેમના તમામ લાભ મળી જાય છે.સાથે સાથે આ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.ડીઈઓ કચેરી દ્વારા ઓકટોબરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનો સન્માન સમારોહ તા.૧ નવેમ્બર, રવિવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે.જેમાં નિવૃત્તિ પછી સક્રિય કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન અપાશે.

કાયમી ભરતીમાં ઓછામાં ઓછા ૬ મહિના નીકળી જશે
સૂત્રોનું કહેવું છે કે, ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની કાયમી ભરતી એટલે કે શિક્ષણ સહાયકોની ભરતીમાં બીજા ૬ મહિના નીકળી જશે.સ્કૂલોએ પહેલા રોસ્ટર બનાવવુ પડશે અને એ પછી સરકાર દ્વારા સ્કૂલો પાસે ખાલી જગ્યાઓની જાણકારી મંગાવવામાં આવશે.આ જગ્યાઓ માટે ટેટ પાસ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાશે અને એ પછી તેમને મેરિટના આધારે નિમણૂકનો વિકલ્પ આપવામાં આવશે.જો અત્યારથી ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવે તો પણ બીજા ૬ મહિના સુધી શિક્ષણ સહાયકોની નિમણૂક શક્ય નથી.

કર્મચારીઓની અછત, શિક્ષકોને વહીવટી કામગીરી પણ કરવી પડે છે
ગ્રાન્ટેડ સ્કૂલોમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બંધ હોવાથી વહીવટી કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિયત જગ્યાઓ પૈકી ૮૦ ટકા જગ્યાઓ ખાલી છે.કેટલીક સ્કૂલોમાં તો હવે કાયમી કર્મચારીઓ રહ્યા જ નથી અને ઘણી જગ્યાએ શિક્ષકોને પણ વહીવટી કામગીરી કરવાનો વારો આવી રહ્યો છે.