ડોર ટુ ડોર કલેક્શનની ગાડીએ બાઇક સવારને ટક્કર મારતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં બેફામ દોડતી ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતી ગાડીના ડ્રાઇવરે અટલાદરા રોડ પર બાઇક સવારને ટક્કર મારતા યુવકનું કરૃણ મોત થયું છે. અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિલ ગામ નવી નગરી મઢી વિસ્તારમાં રહેતો પ્રવિણ ઘનશ્યામભાઇ તડવી (ઉં.વ.૨૭) બિલ ગામમાં આવેલી શિવશક્તિ ટેકનોલોજી કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. તેની માતા બિલ ગામ ખાતે વુડ્સકેપ વિલામાં ઘરકામ કરે છે. આજે સવારે પ્રવિણ બાઇક લઇને તેની માતાને કામના સ્થળે છોડવા ગયો હતો. માતાને ઉતારીને તે પરત જતો હતો. તે સમયે કાસા લેકની બાજુમાં આવેલ શ્રી ડ્રાઇવિંગ એકેડેમી આગળ રોડ પર કોર્પોરેશનની ડોર ટુ ડોર કલેક્શનની ગાડીના ડ્રાઇવરે તેને અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત પ્રવિણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીની આગળ અને પાછળની નંબર પ્લેટ પણ નહતી. અકસ્માત પછી સ્થળ પર ઊભા રહીને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની માનવતા બતાવ્યા સિવાય ડોર ટુ ડોર કલેક્શનની ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ભાગી ગયો હતો. અટલાદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.જી.રોહિતે આ રૃટ પર દોડતી તમામ ગાડીઓની વિગતો મંગાવી અકસ્માત કરીને ભાગી ગયેલા ડ્રાઇવરની શોધખોળ શરૃ કરી છે.




