Banaskantha

'સિવણ ક્લાસ ખોલી આપીશું, 2000 રૂપિયા ભરી દો..', બનાસકાંઠામાં 150 ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
હડાદમાં સ્વરોજગારીના નામે 150થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી થઈ છે. હિંમતનગરની ધરતી NGO સંસ્થાના નિશાબેન પરમારે સિવણ ક્લાસની તાલીમ માટે પ્રત્યેક મહિલા પાસેથી 2,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. પૈસા લીધા બાદ પહોંચ ન આપી અને સંચાલિકા સંપર્ક બહાર થઈ જતા મહિલાઓને છેતરપિંડીનો અહેસાસ થયો. આથી ભોગ બનેલી મહિલાઓએ હડાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે કડક કાર્યવાહી કરવાની માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સિવણ ક્લાસ ખોલી આપીશું, 2000 રૂપિયા ભરી દો..', બનાસકાંઠામાં 150 ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી

હડાદમાં સ્વરોજગારી આપવાના બહાને 150થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ સામે આવ્યો છે. હિંમતનગરની ધરતી નામની NGO સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે સિવણ ક્લાસની ત્રણ મહિનાની તાલીમ આપવાનું કહી મહિલાઓ પાસેથી વ્યક્તિદીઠ 2,000 રૂપિયા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ હડાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હિંમતનગરની ધરતી નામની NGO સંસ્થા દ્વારા હડાદ અને આસપાસના વિસ્તારની અનુસૂચિત જાતિ-જનજાતિની તેમજ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સ્વરોજગારીની તક આપવાની વાત કરવામાં આવી હતી. સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે મહિલાઓને સિવણ ક્લાસ શરૂ કરવાનો અને તેના માટે ત્રણ મહિનાની તાલીમ આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ તાલીમના નામે દરેક મહિલા પાસેથી 2,000 રૂપિયા લેવામાં આવ્યા હતા.

પૈસા જમા કરાવ્યા પણ કોઇએ પહોંચ આપી નહી

આ રીતે અંદાજે 150થી વધુ મહિલાઓએ સંસ્થામાં રૂપિયા જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે. જોકે, રૂપિયા લીધા બાદ મહિલાઓને તેની પહોંચ પણ આપવામાં આવી નહોતી. ત્યારબાદ સંચાલિકા નિશાબેન પરમાર સંપર્કની બહાર થઈ ગયાં હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે. મહિલાઓએ સંચાલિકાના સંપર્ક નંબર પર વારંવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોટાભાગે ફોન બંધ આવતો હતો અને ફોન લાગવા છતાં જવાબ મળતો નહોતો. આથી મહિલાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી.

હડાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ

આખરે ભોગ બનેલી મહિલાઓ એકત્ર થઈ હતી અને સમગ્ર મામલે હડાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓએ પોતાની ફરિયાદમાં સંસ્થા દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સંસ્થા સામે તપાસ હાથ ધરી જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સ્વરોજગારી અને સિવણની તાલીમ મેળવી આર્થિક રીતે પગભર થવાની આશા રાખતી મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવવાના આક્ષેપને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.